/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/111-2.jpg)
પાલેજ ગ્રામ પંચાયતનું રાજકારણ કેટલાય વર્ષો થી લોહિયાળ રહ્યું છે. જેનું ફરી એક વખત પુનરાવર્તન થયું છે. પાલેજ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાના મામલે આજરોજ દરખાસ્ત મામલે પંચાયતમાં મત લેવાય તે પૂર્વે જ ૧૫ લોકોના ટોળાએ સરપંચના નણદોઈ અને દિયર પર મારક હથિયારો વડે હિંસક હુમલો કરતા પાલેજમાં ખળભળાટ ઉભો થયો હતો. ઘાયલોને તત્કાલ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા જ્યારે મામલો પોલીસમાં પહોંચતા ૧૫ હુમલાખોરો સામે હત્યાના પ્રયાસનો ગુનો પાલેજ પોલીસે નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ ગ્રામ પંચાયતના સભ્ય નાવેદખાનને ડેપ્યુટી સરપંચ હસ્મિતાબેન પટેલ વિરુદ્ધ તારીખ પાંચ ઓગષ્ટના રોજ નવ સભ્યોની સહી સાથે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા. જેના ઉપર આજરોજ અધિક તાલુકા વિકાસ અધિકારી કાયસ્થ અને સર્કલ દિપ્તિબેનની હાજરીમાં અવિશ્વાસની દરખાસ્ત ઉપર મતદાન થવાનું હતું. એ પહેલા જ સવારે દશ વાગ્યાની આસપાસ અવિશ્વાસની દરખાસ્ત લાવનાર નાવેદખાન અને તેમની ગાડી પાછળ આવતા સરપંચ,નણદોઈ અને દિયર ઉપર હિંસક હુમલો કરાયો હતો.
સરપંચનો પુત્ર ફૈઝલ તેની કારમાં સીમળીયા ફાર્મ હાઉસ ખાતેથી નાવેદખાનને લઇ આવી રહ્યા હતા. તેમની પાછળ સ્ફુટી લઈ સરપંચના નણદોઈ અનવર પઠાણ અને દિયર આરીફ પઠાણ પંચાયત તરફ આવી રહ્યા હતા. દરમ્યાન અહમદ નગર પાસે ઉભેલા ટોળાએ હિંસક. હથિયારો સાથે તેમની ઉપર હિંસક હુમલો કર્યો હતો. નાવેદખાનની કાર આગળ નીકળી જતા ટોળાએ પાછળ સ્કૂટી લઈને આવતા અનવર પઠાણ અને આરીફ પઠાણને ટાર્ગેટ બનાવી તેમની ઉપર મારક હથિયારોના ઘા કર્યા હતા. જેમાં બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. બનાવના પગલે વધુ એક વખત પાલેજની શાંતિ જોખમાઈ હતી. પાલેજ પંચાયતનું રાજકારણ વધુ એક વખત લોહિયાળ બન્યું હતું. બનાવની જાણ થતાં લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘાયલ બન્નેને તત્કાલ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા. બનાવ અંગે ફૈઝલ પઠાણે ૧૫ લોકોના નામ સાથે પાલેજ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તમામ વિરુદ્ધ હત્યા કરવાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- અગાઉ ડેપ્યુટી સરપંચ અંગે રાજીનામાનો વિવાદ પણ ઉભો થયો હતો.
પાલેજના ડેપ્યુટી સરપંચ હસ્મિતા એ અગાઉ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાનો વિવાદ પણ ઉભો થયો હતો. હસ્મિતાબેને પોતે રાજીનામુ આપ્યુ ન હોવાનો અને રાજીનામાં પર પોતાની સહી ન હોવાનો દાવો કર્યો હતો. કોઈએ પોતાની ખોટી સહી કરી હોવાના આક્ષેપ સાથે તેમણે હાઇકોર્ટમાં રાવ નાખી હતી. જોકે કોર્ટે એરજીઓ કાઢી નાખી હતી. ત્યારબાદ ટીડીઓએ તેમને ડેપ્યુટી સરપંચ તરીકે કાયમ રાખ્યા હતા. જેમની સામે અવિશ્વાસની દરખાસ્ત આવતા પુનઃ વિવાદ ઉભો થયો હતો.
- હુમલાની સંભાવના અંગે પોલીસને અગાઉથી જ અરજી અપાઈ હતી
પંચાયતના સભ્ય સલીમખાં પઠાણના કહેવા મુજબ અવિશ્વાસની દરખાસ્ત પહેલા ડરનું વાતાવરણ ઉભું કરવા માટે હુમલો કરાયો હતો. હુમલાની સંભાવના અંગે પાલેજ પી.એસ.આઇ.ને પહેલેથી જ અરજી આપી હતી. પરંતુ પોલીસે આજરોજ કોઈ તકેદારીના પગલાં લીધા ન હતા.પોલીસની નિસ્ક્રીયતાના કારણે જ હુંમલો થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
- બહુમતીથી ડે. સરપંચ દૂર કરાય
હિંસક હુમલા બાદ પોલીસ બંદોબસ્ત હેઠળ અધિક ટીડીઓ અને સર્કલની હાજરીમાં ડેપ્યુટી સરપંચ હસ્મિતાબેન સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી. જેમાં 12 મતો તેમની વિરુદ્ધમાં પડ્યા હતા. જ્યારે માત્ર 5 મતો તેમની તરફેણમાં પડતા બહુમતી મતો તેમની વિરુદ્ધમાં હોઈ તેમને ડેપ્યુટી સરપંચના હોદ્દા પરથી દૂર કરાયા હતા.
આરોપીઓ
1 : શબ્બીરખાં રહેમાનખાન પઠાણ
2 : શહેજાદખાં રાહીમખાં પઠાણ
3: વાસીમખાં શરીફખાં પઠાણ
4: ઘનશ્યામ શંકરભાઇ પટેલ
5: જાકિરખાં શબ્બીરખાં પઠાણ
6: રહીમખાં રહેમાનખાન પઠાણ
7: આસિફ ઇકબાલ પટેલ
8: ઐયુબ ઉર્ફે ભાણો ઇસ્માઇલખાન પઠાણ
9: સમીરખાં ઉર્ફે મોટલો હબીબખાં પઠાણ
10: પાર્થ ઘનશ્યામ પટેલ
11 : ભુપેન્દ્ર ભગુભાઈ પટેલ
12: હસ્મિતાબેન ઘનશ્યામભાઈ પટેલ
13: યાસીન સલીમખાં પઠાણ
14: શાકિર રહેમાનખાન પઠાણ
15: સલીમ ઉર્ફે મલંગ પઠાણ