પાવાગઢ થી માંચી સુધી કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા વિકાસ કાર્યો ધોવાયા

New Update
પાવાગઢ થી માંચી સુધી કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા વિકાસ કાર્યો ધોવાયા

* કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિકાસ કાર્યો ઉપર આભ ફાટતા બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા !

પાવાગઢ માંચી સુધી કરોડો રૂપિયાનો ખર્ચો કરીને બનાવવામાં આવેલ માર્ગ પ્રથમ વરસાદમાં ધોવાઈ રહ્યા હોવાના એંધાણ જરૂરથી જોવા મળી રહ્યા છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. એમાં પાવાગઢ તળેટીથી માંચી સુધીના રસ્તાને પહોળો કરીને યાત્રાળુઓની સલામતીઓ માટે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી અને પગપાળા શ્રધ્ધાળુઓ માટે અલગ રસ્તો પણ તેયાર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના કરોડો રૂપિયાના ખર્ચાઓમાં પાવાગઢ ડુંગરના વિકાસ કાર્યોને પુર્ણ કરવાના અભરખાઓની ઉતાવળો અગર તો ગુણવત્તા વગરના વિકાસ કાર્યોમાં વરસાદના આરંભ સાથે એક પછી એક પોલ પોલ બહાર લાવી રહ્યા છે. એમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના ડુંગર ઉપરથી વહી રહેલા પાણીના પ્રવાહમાં પાવાગઢ ડુંગર અને માંચી વચ્ચે આવેલ સાત કમાન પાસે નવીન બનાવેલા ડામર રોડનું સદંતર ધોવાણ થઈને આ ડામર રોડની કપચી બહાર આવી ગઈ છે, રોડની બાજુમાં કરવામાં આવેલ પુરાણ પણ સદંત૨ ધોવાઈ જઈને આ કામના ઈજારદારની લાલીયાવાડીઓ અગર તો બેદરકારીઓ વરસાદના આરંભ સાથે પોત પ્રકાશવાનું શરૂ થયું છે. આ માર્ગની બાજુમાં પગપાળા યાત્રાળુઓ માટે બનાવામાં આવેલ માર્ગ પણ ધોવાઈ ગયો હોવાના દ્રશ્યો દેખાતા હતા.

આ પ્રમાણે બુઢીયા દરવાજા પાસે પણ ઈજારદારની બેદ૨કારીઓ વચ્ચે તૈયાર ક૨વામાં આવેલા જાહેર માર્ગની બાજુઓના ધોવાણ થઈ જવાના આ કૃત્યમાં પાવાગઢ ડુંગર સુધી વિજ પ્રવાહનું વહન કરનાર વિજપોલ પણ અડફેટમાં આવી જઈને એકદમ પડું પડું હાલતમાં તારના તાંતણે લટકી રહ્યો છે અને વિજ વાયરો જાહેર માર્ગ ઉપ૨ જુલતા દેખાઈ રહ્યા છે. જો કે જી.ઈ. બી.ના સત્તાધીશોએ વિજ પ્રવાહ તો બંધ કર્યો હતો પરંતુ બપોર સુધી આ ધરાશયી હાલતમાં દેખાતા વિજપોલનીદુરસ્તી માટે સત્તાવાળાઓ હાજર થયા હોય એવું ક્યાંય દેખાયું ન હતુ. પાવાગઢ ડુંગર ઉપર દર વર્ષે ધોધમાર વરસાદ વરસતો જ હોય છે. આ ધ્યાનમાં રાખીને સાર્વત્રિક વિકાસના કાર્યો કરવામાં આવતા હોય છે.

પરંતુ સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢનો સર્વાંગી વિકાસ કરવાની આ હરીફાઈમાં સરકારના કરોડો રૂપિયાના કામો ઈજારદારોની બેદરકારીઓમાં પ્રથમ વરસાદમાં જ ધોવાઈને પાવાગઢ તળેટી થી માંચી સુધીનો એકદમ નવીન ડામર રોડ ધોવાઈને કપચીઓમાં ફેરવાઈ રહ્યો છે.તિરાડો પડીને ડામર રોડ ફાટી રહ્યો છે. માટી કામના કામો ગાબડાઓમાં ધોવાઈ રહ્યા છે. પદયાત્રીઓના માર્ગો પણ સલામત નથી રહ્યા.