પોલીસ પહેરા હેઠળ” શિક્ષણ ” : બંધના એલાનની કેવી રહી અસર, જુઓ અહેવાલ

0

બિન સચિવાલય ભરતી પરીક્ષા મુદે કોંગ્રેસ રાજય સરકારને ઘેરવાના તમામ પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ કોંગ્રેસે આપેલા બંધના એલાનના પગલે રાજયના વિવિધ શહેરોમાં પોલીસ પહેરા હેઠળ શિક્ષણનો માહોલ જોવા મળ્યો હતો. દરેક કોલેજની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. 

રાજય સરકાર હાલ બિન સચિવાલય ભરતી પરીક્ષા બાબતે ભીંસમાં મુકાય છે. એક તરફ પરીક્ષાર્થીઓએ ગાંધીનગરમાં ડેરા તંબુ તાણ્યા છે તો બીજી તરફ કોંગ્રેસે આંદોલનના મંડાણ કર્યા છે. શનિવારના રોજ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ તરફથી કોલેજો બંધ રાખવાનું એલાન કરાયું હતું. બંધના એલાનના કારણે શનિવારે વહેલી સવારથી રાજયની તમામ કોલેજોની બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. કોંગી કાર્યકરો શિક્ષણકાર્યમાં ખલેલ ન પહોંચાડે તે માટે પોલીસતંત્ર સજજ બન્યું હતું. અરવલ્લી જિલ્લાની સ્થિતિ પર નજર નાંખવામાં આવે તો મોડાસાની વિવિધ કૉલેજમાં NSUI ના કાર્યકરો કૉલેજ બંધ કરાવવા પહોંચ્યા હતાં અને તેમણે રાજય સરકાર અને મુખ્યમંત્રી વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં. પોલીસે 10થી વધારે કાર્યકરોને ડીટેઇન કર્યા હતાં. બીજી તરફ બિન સચિવાલાય ભરતી પરીક્ષાના પડઘા સુરતમાં પણ પડયાં હતાં. કોંગ્રેસના કાર્યકરોએ વહેલી સવારે શરૂ થતી કોલેજો બંધ કરાવી હતી. બંધના એલાનના પગલે કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here