ભરૂચના નિલકંઠેશ્વર મંદિર ખાતે નર્મદા બચાવો અંતર્ગત નર્મદા એક્ટિવિસ્ટોની એક બેઠક યોજાઇ

New Update
ભરૂચના નિલકંઠેશ્વર મંદિર ખાતે નર્મદા બચાવો અંતર્ગત નર્મદા એક્ટિવિસ્ટોની એક બેઠક યોજાઇ

ભરૂચમાં નર્મદા નદીનો પ્રશ્ન વધુ ગંભીર બનતો જાય છે. સરકારે માત્ર ૧૫૦૦ ક્યુસેક પાણી મહિનામાં બે વાર છોડવાની વાત કરી.પરંતુ આ પાણી ભરૂચ જિલ્લા સુધી ન પહોંચતા લોકોનો રોષ બેવડાયો છે.નર્મદાને જીવંત રાખવા જન આંદોલન ઉભુ થાય અને સરકારની આંખો ખુલે તે માટે નર્મદા એક્ટિવિસ્ટો દ્વારા કાર્યક્રમોના આયોજન માટે નર્મદા બચાવો,જળ,જમીન અને જીવ સૃષ્ટિ બચાવો અભિયાન હેઠળ ભરૂચના ઝાડેશ્વરના નિલકંઠેશ્વર મહાદેવ ખાતે એક બેઠક બોલાવી હતી

નર્મદા નદીમાં ડેમમાંથી પાણી ના છોડાતા પ્રતિદિન નર્મદા નદીની હાલત દયનીય બનતી જાય છે.નર્મદા નદી પોતાનો વૈભવ ગુમાવી ચુકી છે.જળ,જમીન અને જીવ સૃષ્ટિ સામે પણ ખતરો ઉભો થયો છે. પર્યાવરણનું સંતુલન પણ ખોરવાયું છે. એક સમયનો આખો હરિયાળો પ્રદેશ રણમાં ફેરવાઇ રહ્યો છે.નર્મદા સુકીભટ બનતા ભરૂચના જાગૃત નાગરિકો છેલ્લા બે ત્રણ વર્ષથી નર્મદામાં પાણી છોડવા સરકાર પાસે માંગ કરી રહ્યા છે. તાજેતરમાંજ ભરૂચ ભાજપાના અને સંઘ પરિવારના લોકોએ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતીન પટેલની રૂબરૂ મુલાકાત લઈ પાણી છોડવાનું કહેતા સરકારે ૧૫૦૦ ક્યુસેક પાણી મહિનામાં બે વખત છોડવાની તૈયારી બતાવી હતી અને પાણી પણ છોડાયું હતું. પરંતુ આ પાણી ભરૂચ સુધી પહોંચ્યું જ ન હતું.

સરકારના આ પ્રયાસને નિષ્ફળ સ્ટંટ ગણાવી લોકોએ તેનો વિરોધ પણ ઉઠાવ્યો હતો.નર્મદા નદીમાં પુરતું પાણી છોડવા સામે સરકાર અખાડા કરતા લોકોમાં રોષ ઉભો થયો છે.નર્મદા નદીને બચાવવા લોકો સ્વયંભૂ બહાર આવે અને નદીમાં પાણી છોડવાની માંગ બુલંદ બનાવે તે માટે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમના આયોજન માટે નર્મદા એક્ટિવિસ્ટો સક્રિય થયા છે.

નર્મદા બચાવો,જળ,જમીન અને જીવસૃષ્ટિ બચાવો અભિયાન હેઠળ નર્મદા એક્ટિવિસ્ટોએ ઝાડેશ્વર સ્થિત નિલકંઠેશ્વર મહાદેવ ખાતે બેઠક બોલાવી હતી.જેમાં માછીમાર સમાજના અગ્રણી એડવોકેટ કમલેશ મઢીવાલા,હિરલ ઢિમર, પત્રકાર જગદીશ પરમાર, વિનોદ કરાડે,પ્રજ્ઞેશ પાટણવાડિયા,ખેડૂત આગેવાન દુષ્યંતસિંહ સોલંકી,ધમેન્દ્રસિંહ,ધર્મવીરસિંહ,ભરૂચ હિત રક્ષક સમિતિના ખુમાનસિંહ વાંસિયા અને નર્મદા એક્ટિવિસ્ટ ઘવલ કનોજીયા સહિત માછીમાર સમાજની બહેનો અને ભાઇઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

આ બેઠકમાં જનજાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો કરવા ઉપર ચર્ચાઓ હાથધરાઇ હતી.જેમાં આગામી મંગળવારના રોજ ભરૂચ હિત રક્ષક સમિતિ દ્વારા મુખ્ય્મંત્રીને ઉદ્દેશીને ભરૂચ જિલ્લા કલેકટરને ૧૧ કલાકે આવેદન અપાશે અને સાંજે ૪ કલાકે શહેરના પાંચબત્તિ વિસ્તારમાંથી નર્મદા નદીને જીવંત કરવાની માંગ સાથે નર્મદા બચાવો,જળ,જમીન અને જીવસૃષ્ટિ બચાવો અભિયાન હેઠળ લોકસંપર્ક કાર્યક્રમનો શુભારંભ કરાશે.જેમાં એક ફોર્મમાં લોકોના અભિપ્રાય મેળવવામાં આવશે.ભરૂચના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર આ કાર્યક્રમ યોજાશે અને લોકોના અભિપ્રાય અને માંગ સાથેના ફોર્મ એકત્રિત કરી રાજ્ય સરકારને પહોંચાડવામાં આવશે. આઅભિયાનમાં લોકોને મોટી સંખ્યામાં જોડાવા માટે આહવાહન નર્મદા એક્ટિવિસ્ટોએ કર્યું છે.

Latest Stories