ભરૂચ : પાલેજ નજીક પુનાથી અમદાવાદ જતી બસમાંથી ઝડપાયો દારૂનો જથ્થો, 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

New Update
ભરૂચ : પાલેજ નજીક પુનાથી અમદાવાદ જતી બસમાંથી ઝડપાયો દારૂનો જથ્થો, 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર પુનાથી અમદાવાદ જતી કાબરા ટ્રાવેલ્સની બસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ભરૂચ લોકલ કાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા, વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગાર સદંતરપણે નેશ નાબૂદ કરવા માટે તમામ હદ વિસ્તારના પોલીસ અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા રાખવામાં આવેલ ડ્રાઇવ અનુસંધાને પી.આઈ. જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.એસ.ચૌહાણની ટીમ ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે, પુનાથી અમદાવાદ જતી કાબરા ટ્રાવેલ્સની બસ નં. GJ 38 T 8222માં પેસેન્જર તરીકે મુસાફરી કરતાં બે શખ્સો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વડોદરા તરફ લઈ જઈ રહ્યા છે. જે માહિતીના આધારે પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર નાકાબંધી કરતાં બાતમીવાળી ટ્રાવેલ્સની બસને રોકી તેમાં સામાન મૂકવા માટેની ડીકીમાં તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં વધુ પૂછપરછ કરતાં વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.