ભરૂચ : ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પરેશ પટેલના તળાવો ખાતે માટી મુદ્દે હાથ ધરાઈ તપાસ

New Update
ભરૂચ : ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પરેશ પટેલના તળાવો ખાતે માટી મુદ્દે હાથ ધરાઈ તપાસ

અંકલેશ્વરના કોસમડી નજીક મત્સ્યઉદ્યોગ વિકસાવવાના ઇરાદે તળાવ ખોદી માટીને સગેવગે કર્યા હોવાના પુરાવ સાથે ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગત તારીખ ૪થી મે ના રોજ અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીકથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠા નહેરમાંથી અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તેમજ ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય પરેશ પટેલ દ્વારા બિન અધિકૃત રીતે પોતાના તળાવમાં પાણી ઉલેચવાનો મામલો સામે આવ્યો હતો. પરેશ પટેલ દ્વારા ૩ થી વધુ તળાવો જે ૫ થી ૬ ફૂટ જેટલા ઊંડા ખોદી અને તેમાં કેનાલમાંથી પાણી ઠાલવવામાં આવતું હતું. આ પાણી ચોરીના બનાવ અંગે નહેર ખાતા દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. નહેર ખાતાની ફરિયાદના આધારે સ્થળ ઉપર નહેરમાંથી પાણી ખેંચવાના ઉપયોગમાં આવતા સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ આ તળાવોને ખોદી તેની માટી ક્યાં છે તે પણ એક મોટો સવાલ ઊભો થયો હતો.

ગત તારીખ ૨૭ મે ના રોજ ભરૂચ ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારી કે. જે. રાજપુરા દ્વારા તપાસ શરૂ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા. ખાણ ખનીજના અધિકારીઓની સ્થળ મુલાકાત દરમિયાન પરેશ પટેલ દ્વારા સર્વે નંબર ૪૧૬ વાળી જમીન કે જે તેઓ પોતાની માલિકીની ધરાવે છે. તેમાં ખોદકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ અધિકારીઓએ આ સમગ્ર માટી ક્યાં હતી તે અંગે પરેશ પટેલની સઘન પૂછતાછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ સમગ્ર માટીમાંથી કાળી માટીથી તળાવના ફરતે પાળ કરી છે, તેમજ પીળી માટીને બાજુના જ ખેતર પાસે ઊંડાણવાળા ભાગમાં ઢગલો કરીને પુરાણ કર્યું છે. જેમાં ખાણ ખનીજના અધિકારીઓએ સંગ્રહ કરેલ માટીના જથ્થાની તેમજ ખોદકામ કરેલ જગ્યાની યંત્ર વડે માપણી કરી ચકાસણી કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ પંચકેસ કરવામાં આવ્યો હતો. માટી ખોદકામ અંગેના તમામ પુરાવાઓમાં તે જમીનનો નક્શો અને માપણી સીટના આધારે માટી વધઘટ થયાનો તફાવત આવશે તો પરેશ પટેલ વિરુદ્ધ કાર્યવાહી સહિત નોટિસ પાઠવી દંડ પણ વસૂલાશેનું ખાણખનીજ અધિકારી કે.જે. રાજપરાએ જણાવ્યું હતું.