ભરૂચ: ભારતીય બંધારણના રચયિતા બાબાસાહેબની જન્મજયંતી ઉજવાઇ

New Update
ભરૂચ: ભારતીય બંધારણના રચયિતા બાબાસાહેબની જન્મજયંતી ઉજવાઇ
  • ફૂલહાર અને બાબા સાહેબ અમર રહોના સુત્રોચ્ચાર સાથે ઉજવણી કરાઇ

  • બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જેમનું યોગદાન દલિતો માટે મસીહા તરીકે યાદ કરવામાં આવે છે

ભારતીય બંધારણના રચયિતા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ભરૂચ સ્ટેશન રોડ સ્થીત પ્રતિમા ઉપર ફૂલહાર અને બાબા સાહેબ અમર રહોના સુત્રોચ્ચાર સાથે ઉજવણી કરાઇ હતી. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો ભારતના એવા પસંદગીના નેતાઓમાં સમાવેશ થાય છે જેમનું યોગદાન દલિતો માટે મસીહા તરીકે યાદ કરવામાં આવે છે. બાબાસાહેબને સામાન્ય રીતે દેશમાં અનામતની શરૂઆત કરનાર તરીકે ઓળખવામાં આવે છે.

દર વર્ષે ૧૪ એપ્રિલના રોજ આંબેડકરની જયંતી ઊજવવામાં આવે છે, પરંતુ યુનાઇટેડ નેશન્સે તેમની જયંતી એક દિવસ પહેલાં એટલે કે ૧૩ એપ્રિલના રોજ ઊજવી છે. ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ, ૧૮૯૧ના રોજ મધ્ય પ્રદેશના મહૂમાં થયો હતો. તેમને ભારતના બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદાપ્રધાન હતા. એટલું જ નહીં તેઓ એક સારા અર્થશાસ્ત્રી પણ હતા, પરંતુ તેમની વધુ એક ઓળખાણ હતી દલિતોના સૌથી મોટા નેતાની. તેમણે આજીવન દલિતોના ઉત્થાન માટે સંઘર્ષ કર્યો.

બાબાસાહેબે ૧૯૫૬માં નાગપુરમાં હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. ડો. આંબેડકર સૌથી વધુ ભણેલા-ગણેલા અને જાણકાર નેતા તરીકે વિખ્યાત હતા. ઘણા મુદ્દાઓ પર મહાત્મા ગાંધી અને પંડિત નહેરૂ સાથે તેમના મતભેદો રહ્યા હતા. છેલ્લાં અમુક વર્ષોમાં તો તેમણે કોંગ્રેસ સાથે અંતર વધારી દીધું હતું. તેમનું નિધન ૧૯૫૬માં થયું હતું અને તેમને ૧૯૯૦માં મરણોપરાંત દેશના સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Latest Stories