રાજકોટ : ક્રિકેટરસિકોમાં આનંદો ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે

New Update
રાજકોટ : ક્રિકેટરસિકોમાં આનંદો ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમ ઈન્ડિયાની હોમ સિઝન 2019-20ની સોમવારે જાહેરાત કરી છે. જે અનુસાર રાજકોટમાં 2019ની 7 નવેમ્બરે બાંગ્લાદેશ સામે ટી-20 અને 2020માં 17મી જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે વન-ડે મેચ રમાશે.

બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર 15 સપ્ટેમ્બરથી ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ફ્રીડમ ટ્રોફી રમાશે જે 15 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર વચ્ચે રમાશે. આ શ્રેણી દરમિયાન ભારત-આફ્રિકા વચ્ચે ત્રણ ટી-20 અને ત્રણ ટેસ્ટ મેચ રમાશે.

આ શ્રેણી પૂર્ણ થયા બાદ ભારત-બાંગ્લાદેશ વચ્ચે 3 નવેમ્બરથી ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે જેનો પ્રથમ મુકાબલો 3 નવેમ્બરે દિલ્હીમાં, 7 નવેમ્બરે રાજકોટમાં અને 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે. આ પછી 14 નવેમ્બરથી ઈન્દોરમાં પ્રથમ ટેસ્ટ રમાશે જે 18 નવેમ્બર સુધી ચાલશે. આ પછી બીજી ટેસ્ટ મેચ 22થી 26 નવેમ્બર દરમિયાન કોલકત્તામાં રમાશે.

બાંગ્લાદેશની શ્રેણી બાદ ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચ રમાશે. 2019 પછી 2020ના પ્રારંભે ઝીમ્બાબ્વેની ટીમ ત્રણ ટી-20 મેચની શ્રેણી રમવા ભારત આવશે જે 5થી 10 જાન્યુઆરી સુધી રમાશે.

ઝીમ્બાબ્વેની શ્રેણી પૂર્ણ થઈ ગયા બાદ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 14થી 19 જાન્યુઆરી વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણી રમાશે જેનો પ્રથમ મેચ 14 જાન્યુઆરીએ મુંબઈમાં, બીજી મેચ 17 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજી મેચ 19 જાન્યુઆરીએ બેંગ્લોરમાં રમાશે.

આમ છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય મેચની રાહ જોઈને બેઠેલા રાજકોટવાસીઓને એક નહીં બલ્કે બબ્બે મેચ મળતાં બેવડી ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં રાજકોટમાં ભારત-આફ્રિકા વચ્ચે 2015માં વન-ડે અને ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે 2017માં ટી-20 મેચ રમાઈ હતી. આ પછી રાજકોટવાસીઓ આઈપીએલની રાહ જોઈને બેઠા હતા પરંતુ એક પણ મેચ રાજકોટને ન મળતાં નિરાશા પણ સાંપડી હતી.

બીસીસીઆઈ દ્વારા રાજકોટને મેચની ફાળવણી થઈ જતાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જાહેરાત થઈ ગયા બાદ ટૂંક સમયમાં બાંગ્લાદેશ અને ભારતીય ક્રિકેટ બોર્ડના સભ્યો રાજકોટની મુલાકાતે આવશે અને અહીંનું સ્ટેડિયમ, પીચ સહિતની જાણકારી મેળવશે.

Latest Stories