/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/006.jpg)
નેમ આર્ટસ કલ્ચરલ કનેક્ટ અને રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ગુજરાતભરમાં પ્રથમ વખત યોજાયેલા ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના નાપાસ થયેલા ૨૫ જેટલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને પ્રેરણાદાયી વ્યાખ્યાનમાં આચાર્ય યશોવિજયસુરીશ્વરજીએ પોતાના વક્તવ્યમાં વિવિધ ક્ષેત્રમાં સફળ થયેલા અને અભ્યાસમાં પ્રારંભમાં કોઈકને કોઈક રીતે નિષ્ફળ ગયેલા વ્યક્તિઓના ઉદાહરણો ટાંકયા હતા.
એક વખત બારમા ધોરણમાં નિષ્ફળ નિવડેલ અને બેંગકોકની હોટલમાં વેઇટર તરીકે નોકરી કરનાર યુવક સો કરોડની સંપત્તિ વારંવાર મેળવે અને છતાં લોકપ્રિય હોય એવા અક્ષય કુમાર, મહાન વૈજ્ઞાનિકો થોમસ આલ્વા એડિસન આલ્બર્ટ આઈન્સ્ટાઈન લૂઈ પાશ્ચર વગેરેના ઉદાહરણો ટાંકયા હતા. જે લોકોએ નાનપણમાં અભ્યાસમાં નિષ્ફળતા મળી હતી અનેક વૈજ્ઞાનિક પ્રયોગોમાં નિષ્ફળતા મળી હતી છતાં પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને સફળતાના શિખરો સર કર્યા.
સ્વામી નિખિલેશ્વરાનંદજીએ અલીબાબા ડોટ કોમના સ્થાપક જેકમાં એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ અને માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સની શૈક્ષણિક કારકિર્દીની નિષ્ફળતાઓ અને ત્યારબાદ મળેલી વ્યવસાયિક સફળતાની વિગતો આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમનું સંચાલન આયોજક સંસ્થા નેમ આર્ટ કલ્ચરલ કનેક્ટના સ્થાપક મનીષભાઈ પારેખે કર્યું હતું. આભાર વિધિ ગૌરવભાઈ દોશીએ કરી હતી. નાપાસ થનાર વિદ્યાર્થીઓનું સ્વામી વિવેકાનંદના પુસ્તકો પ્રેરણાદાયી સુત્રો ધરાવતું ડેસ્ક કેલેન્ડર ફુલ સ્કેપ બુક અને યશોવિજય સુરીશ્વરજીના પુસ્તક પોલીસી ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ બધાને આશ્રમ તરફથી ચા-નાસ્તાનો પ્રસાદ આપવામાં આવ્યા હતા. રામકૃષ્ણ આશ્રમના વિવેક હોલમાં સ્વામી નિખિલેશ્વરાનંદજી અને જૈન ધર્મના આચાર્ય પરમ પૂજ્ય યશોવિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ બંને એક મંચ પર ઉપસ્થિત હતા અને તેઓએ વિદ્યાર્થીઓને પડકારોનો સામનો વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.