રાજકોટ : વીંછીયામાં કોળી સમાજના બે જૂથો વચ્ચે અથડામણ, વીડીયો થયો વાઇરલ

રાજકોટ જિલ્લાના વિંછીયામા કોળી સમાજના બે જુથ વચ્ચે થયેલી અથડામણમાં 10થી વધારે લોકોને ઇજા પહોંચી છે. ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મારામારીનો વીડીયો હાલ સોશિયલ મીડીયામાં વાઇરલ થઇ રહયો છે. દોઢ મહિના પહેલા પ્રેમ પ્રકરણમાં થયેલા ઝગડાના ફરી એક વાર પડધા પડયાં હતાં.
વીંછીયા ગામમાં બનેલી ઘટના અંગે રાજકોટ ગ્રામ્ય ડીએસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે, વિંછીયામા બુધવારના રોજ સાંજના ચાર વાગ્યે એક જ સમાજના બે ગૃપના સભ્યો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. પોલીસે ગણતીરીની મિનીટોમાં ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો. ઘટનામાં 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે. જે પૈકી પાંચ લોકોને રાજકોટ જયારે કેટલાંક ઈજાગ્રસ્તોને બોટાદ સારવાર માટે ખસેડવામા આવ્યા છે. અત્યાર સુધીમાં 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. દોઢ મહિના પહેલા છોકરીના ભાઈ અને પ્રેમી વચ્ચે માથાકુટ થઈ હતી. જે બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયુ હતુ. જો કે આજ ફરી વાર બંને પક્ષો સામ સામે આવતા મારા મારીનો બનાવ બનવા પામ્યો હતો.