Connect Gujarat
ગુજરાત

વડોદરા: વૃધ્ધ મહિલાને ચાકૂ બતાવી બે ગઠીયા ચાર સોનાની બંગડી અને એક સોનાની ચેઇન લૂંટી ફરાર

વડોદરા: વૃધ્ધ મહિલાને ચાકૂ બતાવી બે ગઠીયા ચાર સોનાની બંગડી અને એક સોનાની ચેઇન લૂંટી ફરાર
X

ગઠીયાઓએ ડુપ્લીકેટ 2 લાખ ચલણી નોટના બંડલ બતાવી છૂટ્ટા માંગ્યા

વડોદરા શહેરના આજવા રોડ ઉપર વહેલી સવારે વૃધ્ધ મહિલાને ચાકૂ બતાવી બે ગઠીયા ચાર સોનાની બંગડી અને એક સોનાની ચેઇન મળી કુલ્લે રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ લૂંટી ફરાર થઇ ગયા હતા. વૃધ્ધ મહિલાઓને બે ગઠીયાઓને નજીકની દુકાનમાંથી છૂટ્ટા પૈસા અપાવવા જવાની કરેલી ભૂલ ભારે પડી હતી.

શહેરના આજવા રોડ ઉપર આવેલી સેવાકુંજ સોસાયટીમાં રહેતા સુશીલાબહેન હીરશંકર પાંડે (ઉં.વ.75) ઘર પાસેના બાકડાં ઉપર બેઠા હતા. તે સમયે બે ગઠીયા તેઓની બાજુમાં આવી બેસી ગયા હતા. અને વૃધ્ધાને વાતોમાં પરોવી હતી. વાતો દરમિયાન ગઠીયાઓએ વૃધ્ધાને જણાવ્યું કે, અમારી પાસે રૂપિયા 2 લાખ છે. પરંતુ, અમારે સીટી જવા માટે છૂટ્ટા નથી. તમારી પાસે રૂપિયા 30 હોય તો આપો. વૃધ્ધાએ પોતાની પાસે છુટ્ટા પૈસા નથી. તમોને નજીકની દુકાનમાંથી છૂટ્ટા મળી જશે. ચાલો હું તમારી સાથે આવું તેમ જણાવી વૃધ્ધા ગઠીયાઓ સાથે દુકાન તરફ જવા નીકળ્યા હતા.

દરમિયાન લૂંટારૂઓએ દુકાન નજીક આવે તે પહેલાં વૃધ્ધા સુશીલાબહેન પાંડેને નજીકની ગલીમાં ખેંચી જઇ ચાકૂ બતાવી, મારી નાંખવાની ધમકી આપી હતી. અને વૃધ્ધાએ હાથમાં પહેરેલી ચાર તોલાની ચાર બંગડીઓ તથા સવા તોલાની સોનાની ચેઇન મળી કુલ્લે રૂપિયા 1,50,000ના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. લૂંટારૂ ભાગી છૂટ્યા બાદ વૃધ્ધાએ બુમરાણ મચાવતા સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. પરંતુ, લોકો આવે તે પહેલાં લૂંટારુ રવાના થઇ ગયા હતા.

દરમિયાન આ બનાવ અંગેની જાણ બાપોદ પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી. અને વૃધ્ધા પાસેથી માહિતી મેળવી, વૃધ્ધાની ફરિયાદના આધારે બે અજાણ્યા યુવાન સામે લૂંટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story