વાલિયામાં બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરવા જગ્યાની માંગ

આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં વાલીયા, નેત્રંગ અને ઝઘડીયા તાલુકામાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના માટે જગ્યાની ફાળવણી કરવા તથા ત્રણેય તાલુકાના ચાર રસ્તાઓને ભગવાન બિરસા મુંડાનું નામ આપવાની માંગ સાથે વાલીયા યુથ પાવર તથા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ત્રણેય તાલુકાઓના મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
વાલિયા યુથ પાવર અને આદિવાસી સમાજના રાજુભાઈ વસાવા, રજની વસાવા, વિનશ વસાવા અને વિજય વસાવા, હરેશ વસાવા, વિનય વસાવા, વાસુ વસાવા, મનીષ વસાવા તેમજ આગેવાનો આવેદનપત્ર આપતી વેળા હાજર રહયાં હતાં. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ઝારખંડના વીર ક્રાંતિકારી આદિવાસી સમાજ માટે લડત ઉપાડનાર અને આદિવાસી સમાજ જેઓને ભગવાન તરીકે પૂજન કરે છે તેવા બિરસા મુંડાજીની જન્મ જંયતીના રોજ વાલિયા ગામના ચાર રસ્તા પાસે તેમજ ચમારીયાના સમાજના આગેવાન રાજુભાઇ વસાવાના ફાર્મ હાઉસ ખાતે આદિવાસી સમાજની પરંપરા મુજબ બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરવાની હોય જે માટે જગ્યાની ફાળવણી કરવા અને ઝઘડિયા ગામની ચોકડી અને નેત્રંગ ચાર રસ્તા પરના સર્કલનું નામ બિરસા મુંડા સર્કલ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.