Top
Connect Gujarat

સરદાર સરોવર ડેમનાં દરવાજા બંધ થશે અને ગુજરાતનો સફળતાનો ગ્રોથ વધશે

સરદાર સરોવર ડેમનાં દરવાજા બંધ થશે અને ગુજરાતનો સફળતાનો ગ્રોથ વધશે
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે તેમના જન્મદિન પ્રસંગે નર્મદા ડેમને રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે. નર્મદા નદીમાંથી ફિઝુલ વહી જતી જળરાશીનો પ્રજાકલ્યાણ અર્થે ઉપયોગ કરવાની દિશામાં ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થનારા આ પ્રોજેક્ટને કારણે સરદાર સરોવરમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધશે. જેને કારણે અહીંના જળાશયોમાં ૩.૪૬ મિલિયન એકર ફૂટ વધારાનું જળ સંગ્રહી શકાશે.

પ્રતિવર્ષ ૪,૨૬,૭૮૦ કરોડ લીટર નર્મદા નીર કે જે વ્યર્થ જ દરિયામાં વહી જતુ હતું, તેને નાથીને ગુજરાતના સર્વાંગીણ વિકાસમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. સરદાર સરોવર ડેમની મહત્તમ ઊંચાઇ ૧૩૮.૬૮ મીટરે પૂર્ણ થતાં હવે અહીં કુલ ૪.૭૩ મિલિયન એકર ફૂટ જળરાશી સંગ્રહી શકાશે. જેને કારણે અહીં ૧૪૫૦ મેગાવોટ વીજળીનું પણ ઉત્પાદન થશે.

ગુજરાતના ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં વિસ્તારોમાં ભૂતકાળમાં પીવાના પાણીની કારમી તંગી સર્જાતી હતી.સરદાર સરોવર પ્રોજેક્ટ સાકાર થતા, કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના ૮૨૨૧ ગામો, ૧૫૯ શહેરો, અને ૮ મહાનગરોના પ્રજાજનોને પીવાનું શુદ્ધ પાણી પુરૂ પાડી શકાશે. સરદાર સરોવર પ્રોજેક્ટના સુગ્રથિત માળખાને કારણે ગુજરાતની સુકી નદીઓ અને તળાવોને પણ પુનઃજીવીત કરીને તેની આસપાસની માનવ વસાહતો, માનવ સભ્યતા, સંસ્કૃતિને નવપલ્લવિત કરવાનો આયામ હાથ ધરાયો હોવાનું જાણવા મળ્યું છે.

આ પ્રોજેક્ટ થી રાજ્યના ૧૭ જિલ્લાઓના ૭૯ તાલુકાઓના ૩,૧૨૫ ગામોના ૧૭.૯૨ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇનું પાણી સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાશે. જેનો લાભ આ વિસ્તારના ૧૦ લાખથી વધુ ખેડૂતોને થશે. આ ઉપરાંત ૩૦ હજાર હેક્ટર વિસ્તારને પૂર નિયંત્રણનો પણ લાભ મળશે. જયારે દસ લાખ ઉપરાંત લોકોને સીધી કે આડકતરી રોજગારી પણ ઉપલબ્ધ થશે.વધુમાં કૃષિ દર પણ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વીજ ઉત્પાદનની વાત કરીએ તો નર્મદાના મુખ્ય વીજ મથક ખાતે ૨૦૦ મેગાવોટના ૬ ભૂગર્ભ યુનિટ, જેની કુલ ક્ષમતા ૧૨૦૦ મેગાવોટ, તેમજ નર્મદા કેનાલના મુખ ઉપર ૫૦ મેગાવોટના ૫ યુનિટ દ્વારા ૨૫૦ મેગાવોટની દૈનિક વીજ ઉત્પાદન ક્ષમતા છે. જેમાં હાલ ૧૨૦૦ મેગાવોટ વીજ ઉત્પાદન કરી શકાય છે. જેના દ્વારા આજદિન સુધી ૪૫૦૦ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરાયુ છે.

આ યોજના પૂર્ણ થતાં જળવિદ્યુત મથકો તેની પુરી ક્ષમતા સાથે વીજ ઉત્પાદન કરી દૈનિક ૧૪૫૦ વીજ ઉત્પાદન કરી શકશે. જેનાથી જળવિદ્યુત મથકની ઉત્પાદન ક્ષમતામાં ૩૦ ટકા જેટલો વધારો થશે. આ વીજ ઉત્પાદનનો લાભ ગુજરાત સહિત આસપાસના રાજ્યોને પણ થશે.

Next Story
Share it