/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/savali--e1560575327174.jpg)
વડોદરાના સાવલીના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા એક ૨૫ વર્ષીય યુવકનું ડૂબી જતાં કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પોતાના મિત્રો સાથે સાવલી પાસેના ગોઠડા ગામનો સંજય પરમાર નામનો યુવક પણ મહીસાગર નદીમાં ન્હાવા ગયો હતો. સંજય નદીના ઉંડા પાણીના પ્રવાહમાં તણાવા લાગતા તેના મિત્રો ગભરાઇ ગયા હતા ઘટનાની ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાતા તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી.
૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ સ્થાનિક લોકોની મદદથી સંજયને નદીમાંથી બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સના તબીબ દ્ધારા પ્રાથમિક સારવાર અાપ્યા બાદ યુવકને વધુ સારવાર અર્થે સાવલીની સરકારી હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે સંજય નામના યુવકને મૃત જાહેર કર્યો હતો. અસહ્ય ગરમીના કારણે સંજય મિત્રો સાથે મહીસાગર નદીમાં ન્હાવા ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આશાસ્પદ યુવાનના મોતના સમાચાર વાયુવેગે ગોઠડા ગામમાં પ્રસરતા ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. સાવલી પોલીસે બનાવ સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.