Connect Gujarat
ગુજરાત

સુરત આતંકવાદ વિરુદ્ધ કામ કરતા એમ એસ બીટ્ટાએ ગ્રીન મેનની મુલાકાત લીધી

સુરત આતંકવાદ વિરુદ્ધ કામ કરતા એમ એસ બીટ્ટાએ ગ્રીન મેનની મુલાકાત લીધી
X

સુરત પંજાબ સરકારના પૂર્વ મંત્રી તેમજ ઑલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના પ્રમુખ એમ. એસ. બીટ્ટા પાછલા બે દિવસથી સુરતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે પર્યાવરણવાદી અને ઈકોપ્રેન્યોર વિરલ સુધીર દેસાઈની કંપની ઝેનિટેક્સની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે વિરલ દેસાઈના પર્યાવરણ સંદર્ભના કાર્યોને બિરદાવ્યા હતા અને પર્યાવરણના તેમના કાર્યોમાં તેઓ પોતે પણ ભવિષ્યમાં સામેલ થશે એવો ઉત્સાહ દાખવ્યો હતો.

પોતાની શુભેચ્છા મુલાકાત દરમિયાન એમ. એસ. બિટ્ટાએ પર્યાવરણ સંદર્ભે વિરલ દેસાઈ દ્વારા ચાલી રહેલા વિવિધ કાર્યો વિશે ઊંડો રસ દાખવીને જાણકારી મેળવી હતી. સાથે જ તેમના કાર્યોથી પ્રભાવિત થઈને ભવિષ્યમાં ઉધના સ્ટેશનની વિઝિટ કરીને વિરલ દેસાઈ સાથે વૃક્ષારોપણ કરવાનો ઉમંગ પણ દાખવ્યો હતો

વિરલ દેસાઈએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, ‘એમ. એસ બીટ્ટાજી દેશના સૈનિકો અને શહિદો માટે અનન્ય કાર્યો કરી રહ્યા છે. સાથે જ તેઓ આતંકવાદ વિરુદ્ધ પણ પ્રસંશનીય કાર્યો કરીને દેશની સુરક્ષા કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. એવા સમયે તેઓ પર્યાવરણના કાર્યોમાં અંગત રસ લે એ અમારા માટે ઘણી મોટી વાત છે. દેશની સુરક્ષા માટે પ્રતિબદ્ધ વ્યક્તિ જ્યારે પર્યાવરણની સુરક્ષા માટે સૂચનો કરે ત્યારે અમને પણ આનંદ થાય જ. તેમની આ મુલાકાત અમારા માટે અનેક રીતે પ્રેરણાદાયી છે.’

ઉલ્લેખનીય છે કે ગ્રીનમેનનું બિરુદ પામેલા વિરલ સુધીર દેસાઈએ વિવિધ સાઈટ્સ પર અત્યાર સુધીમાં ત્રીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર અને જતન કર્યું છે. તો સુરતના ઉધના સ્ટેશન પર પણ તેમણે ‘ક્લિન ઈન્ડિયા ગ્રીન ઈન્ડિયા’ મુહિમ હેઠળ નોંધપાત્ર કાર્ય કર્યું હતું, જેના પરિણામ સ્વરૂપ ઉધના સ્ટેશન પહેલી વાર ગુજરાતનું પહેલા ક્રમનું સ્વચ્છ સ્ટેશન છે. તો ગયા વર્ષના સરવેમાં ભારતભરમાં બસોમાં ક્રમે આવેલું ઉધના રેલવે સ્ટેશન હનુમાન કૂદકો મારીને ભારતભરનું સોળમા ક્રમનું સ્વચ્છ સ્ટેશન બન્યું છે.

Next Story