સુરત : તક્ષશિલા બાદ વધુ એક આગની ઘટના, જ્ઞાન ગંગા શાળાના છાત્રો સદનસીબે બચ્યા

New Update
સુરત : તક્ષશિલા બાદ વધુ એક આગની ઘટના, જ્ઞાન ગંગા શાળાના છાત્રો સદનસીબે બચ્યા

સુરતમાં તંત્રની બેદકારી વધુ એક વખત સામે આવી છે ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગર ખાતેના બાલક્રિષ્ના કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં ચાલતા થેલીઓ બનાવવાના કારખાનામાં આગ ફાટી નીકળી હતી. ત્યાર બાદ કોમ્પ્લેક્સમાં નાસભાગ મચી ગઈ હતી. આગ ફાટી નીકળતાં થેલી બનાવવાના કારખાના ઉપર જ ચાલતી જ્ઞાન ગંગા સ્કૂલના વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યાં હતાં. આગ વિકરાળ ન હોવાથી ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો હતો.

સુરતના ભટાર સ્થિત આઝાદ નગર ખાતે આવેલા બાલક્રિષ્ના કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટ સર્કિટના કારણે નોનવૂનની થેલીઓ બનાવતા કારખાનામાં આગ લાગી હતી. શોપિંગ કોમ્પલેક્સના ઉપરના ભાગે જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલય આવેલી હતી. જૂનિયરથી આઠ ધોરણની આ સ્કૂલમાં આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જેથી તેમને સલામત રીતે બહાર કાઢીને રજા આપી દેવામાં આવી હતી. દુર્ઘટનાને પગેલ ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવીને સ્કૂલને સીલ કરી દેવામાં આવી હતી.

ફાયરબ્રિગેડને સ્કૂલમાં યોગ્ય સાધનો ન મળ્યા અને સાથે જ આવી દુર્ઘટના વખતે યોગ્ય સ્ટ્રક્ચર ન હોવાના કારણે સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે.ફાયરની એનઓસી પણ ન હોવાથી સીલ કરવામાં આવી છે. ત્યારે સવાલ અહી એ ઉભો થાય છે તક્ષશિલાની ઘટના બાદ પણ તંત્ર હજુ કેમ ઘોર નિંદ્રામાં છે ? સુરતમાં આવી ધમધમતી સ્કૂલો સામે કાર્યવાહી ક્યારે થશે ? શા માટે તંત્ર ઘોર નિંદ્રામાં સુતેલું છે ? જો અહી મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ ? જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે