સુરત : ફાયર સેફ્ટીના અભાવે અડાજણમાં ૬ જેટલા ટ્યૂશન ક્લાસીસ સીલ મરાયા

New Update
સુરત : ફાયર સેફ્ટીના અભાવે અડાજણમાં ૬ જેટલા ટ્યૂશન ક્લાસીસ સીલ મરાયા

૨૩૦થી વધુ ટ્યૂશન ક્લાસીસને નોટીસ આપવામાં આવી હતી

સુરતનાવેસુમાં આગમ આર્કેડ લાગેલી આગના કારણે ત્રીજા માળે ચાલતા ટ્યૂશન કલાસીસમાં ધુમાડાથી થયેલી ગૂંગળામણને કારણે માસુમ બાળક અને શિક્ષિકાનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ પાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અને સલામતી બાબતે બેદરકારી દાખવનારા ટ્યૂશન ક્લાસીસ અને શોપિંગ મોલ સામે લાલ આંખ કરવામાં આવી છે. ટ્યૂશન ક્લાસીસને નોટીસ આપવામાં આવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા અડાજણમાં આવેલા ટ્યૂશન ક્લાસીસને સીલ મારવામાં આવ્યા હતા.

સુરત વેસુમાં આગમ આર્કેટમાં લાગેલી આગમાં બેના મોત બાદ ફાયર બ્રિગેડ દ્વારા શહેરના મોલ-મલ્ટિપ્લેકસ અને કોચિંગ કલાસીસમાં ફાયર સેફટીની સ્થિતિ જાણવા સરવે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સર્ચ ઓપરેશનમાં શહેરના 130થી વધુ કોચિંગ કલાસીસમાં ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામે તમામમાં ફાયર સેફ્ટી લગાડવામાં આવી ન હોવાનું તેમજ સુરક્ષા સંબંધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું.

જેથી ફાયર વિભાગે તમામ ટ્યૂશન ક્લાસીસના સંચાલકોને નોટિસ ફટકારી સમય મર્યાદામાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરી હતી. દરમિયાન ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું અને ફાયર સેફ્ટી અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવતા અડાજણ વિસ્તારમાં આવેલા ટ્યૂશન ક્લાસીસને સીલ મારી કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૬ જેટલા ટ્યૂશન ક્લાસીસને સીલ મારવામાં આવ્યા છે.