સુરેન્દ્રનગર: સબ જેલ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે ૩ કેદીઓને કરાયા મુક્ત

સમગ્ર ભારત વર્ષમાં ૨ જી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર સબ જેલ ખાતે ૩ કેદીઓને મુક્તિ આપવામાં આવી હતી. સબ જેલ ઇન્ચાર્જ અધિક્ષક એચ.આર.રાઠોડ તેમજ સામાજિક કાર્યકર સુબોધ જોષીએ જણાવ્યું હતું કે , ''ગાંધી એક વિચાર ધારા'' છે, તેમનું જીવન ચરિત્ર એ જ લોકો માટે સંદેશ સાથે કેદીઓને શિખ આપવામાં આવી હતી. કેદીઓ અને તેઓના પરિવારજનો દ્વારા ગાંધીજીની તસવીરને સુતરની આંટી પહેરાવી હતી.
આ પ્રસંગે કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલ જાહેરાત મુજબ દેશની વિવિધ જેલમાંથી જે કેદીઓએ ૬૬%થી વધારે સજા ભોગવેલ હોય તેવા કેદીઓને સજા માફી આપવાના નિર્ણય અનુસંધાને સુરેન્દ્રનગર સબ જેલ ખાતેથી કુલ ૩ કેદીઓને તેઓના સ્વજનની હાજરીમાં ગાંધીજીની તસવીરને સુતરની આંટી પહેરાવી જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. કેદીઓ સહીત ઝાલાવાડના સામાજિક કાર્યકર સુબોધ જોષી, સુરેન્દ્રનગર સબ જેલ ઇન્ચાર્જ અધિક્ષક એચ.આર.રાઠોડ તથા જેલ સ્ટાફ, કર્મચારીઓએ ભેગા મળી સ્વચ્છતા અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કર્યા હતા. જેલ મુક્ત થયેલ એકાંતવાસી કેદીઓને સમાજમાં જઈ ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહી આદર્શ નાગરિક તરીકે જીવન જીવવા માટે જણાવ્યું હતું.