Connect Gujarat
ગુજરાત

અંતરિક્ષમાં ભારતને મળી વધુ એક મોટી સફળતા, ચંદ્રની નજીક પહોંચ્યું ચંન્દ્રયાન-૨

અંતરિક્ષમાં ભારતને મળી વધુ એક મોટી સફળતા, ચંદ્રની નજીક પહોંચ્યું ચંન્દ્રયાન-૨
X

શ્રીહરિકોટાથી લોન્ચિંગના 29 દિવસ બાદ ચંદ્રયાન-2 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરી લીધો છે. તેની સાથે જ અંતરિક્ષમાં ભારતને ફરી એકવખત મોટી ઉપલબ્ધિ મળી ગઇ છે. ત્યારબાદ 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2 ચાંદ પર ઐતિહાસિક ઉપસ્થિતિ નોંધાવશે. ઇસરોના મતે ચંદ્રયાન-2 પર લાગેલી બે મોટરોને સક્રિય કરવાથી આ સ્પેસક્રાફ્ટ ચંદ્રમાની કક્ષામાં પહોંચી ગયું છે.

22 જુલાઈએ લોન્ચ થયેલા ચંદ્રયાને 23 દિવસ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને 14 ઓગસ્ટે ટ્રાન્સ લ્યૂનર ઓર્બિટમાં પ્રવેશ કર્યો હતો. હવે તે 13 દિવસ ચંદ્રની પ્રદક્ષિણા કરશે અને 7 સપ્ટેમ્બરે ચંદ્રની ધરતી ઉપર ઉતરાણ કરશે. આ સમગ્ર તબક્કો આ મિશનનો સૌથી મુશ્કેલ તબક્કો છે. આ દરમિયાન જ વૈજ્ઞાનિકો અને ચંદ્રયાનની સાચી અગ્નિપરીક્ષા થશે.

જોકે વિજ્ઞાનીઓ માને છે કે ચંદ્રની ધરતી પર એનું સોફ્ટ લેન્ડિંગ કરવાની મુખ્ય સમસ્યા છે, કારણ કે ચંદ્રની ધરતી પર પૃથ્વીની જેમ વાતાવરણ નથી. પૃથ્વી પર હજારો ફૂટ ઊંચેથી પેરાશૂટ દ્વારા નીચે ઊતરી શકાય છે કારણ કે અહીં હવા અને ગુરુત્વાકર્ષણ બળ છે. ચંદ્ર પર પૃથ્વીની જેટલું ગુરુત્વાકર્ષણ બળ પણ નથી. દરેક જગ્યાએ અલગ અલગ બળ છે. આવામાં પ્રતિ સેકન્ડ 1.5 કિલોમીટરની ઝડપથી ફરી રહેલા ઓર્બિટમાંથી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવું મોટો પડકાર છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોટા મોટા પથ્થરો, ખાડા અને ક્રેટર્સ છે જેથી લેન્ડર ક્રેશ થવાનો ખતરો રહેલો છે.

ચંદ્રયાન-2માં ત્રણ મોડયુલ છે. એમાં ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન છે. આનું વજન 3,877 કિલોગ્રામ છે. ઓર્બિટરથી લેન્ડર છૂટું થયા બાદ એ ચંદ્રની ફરતે ગોળ ગોળ ઓર્બિટના બદલે અંડાકાર ઓર્બિટમાં ભ્રમણ કરશે. એના કારણે એક સમયે એનું ચંદ્રથી અંતર 100 કિલોમીટર હશે તો બીજા છેડે એ ઘટીને માત્ર 30 કિલોમીટર થશે. 30 કિલોમીટરવાળા છેડેથી લેન્ડર ચંદ્રની ધરતી પર પહોંચશે.

લેન્ડ થતી વખતે એની સ્પીડ ઘણી વધારે હશે. એ સમયે આ સ્પીડ ઘટાડવી પડશે અને એના માટે એમાં રહેલા થ્રસ્ટરોને ઊંધી દિશામાં ચલાવવા પડશે. થ્રસ્ટરની મદદથી સ્પીડ ઓછી કરીને લેન્ડરને ચંદ્ર પર ઉતારવામાં આવશે અને એના માટે સમતળ વિસ્તાર શોધવામાં આવશે. લેન્ડરની અંદર રહેલા રોવરની સ્પીડ પ્રતિ મિનિટ એક સેન્ટિમીટરની છે.

Next Story