Connect Gujarat
સમાચાર

અહો આશ્ચર્યમ ! વાંદરાએ ગધેડાને માર્યો તમાચો !

અહો આશ્ચર્યમ ! વાંદરાએ ગધેડાને માર્યો તમાચો !
X

વાગરામાં બનેલો બનાવ, ગધેડા કૂતરાની લડાઈમાં ક્રોધિત કપિરાજે પોતાનો ગુસ્સો ગદર્ભ પર ઉતાર્યો.

ભરૂચ જિલ્લાના વાગરા ખાતે એક જીવંત ઘટનાએ લોકોમાં ભારે ચર્ચા જગાવી છે અને ભરપૂર મનોરંજક બનાવમાં ગધેડા અને કૂતરા વચ્ચેની લડાઈમાં કપિરાજે મુખ્ય ભૂમિકા ભજવીને છૂટા હાથની મારામારી કરી ઝગડો શાંત પાડયો હતો.

પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન જુદાજુદા પ્રાણીઓ અંગેની બાળ વર્તાઓ દરેક લોકોએ સાંભળી હશે, અને ત્યારે એક કલ્પના પણ મનમાં થતી કે શું આ વાર્તાઓ સાચી હશે. પરંતુ બાળ જીવનથી સારો બોધપાઠ મળે એટલા માટે આ વાર્તા બાળકોને કહેવામાં આવતી હતી. પરંતુ જો અચાનક જ વાર્તા રૂપી ઘટના પ્રત્યક્ષ નજર સામે જ જીવંત બને તો આશ્ચર્યચકિત થઇ જવાય. અને આવી જ એક કલ્પના હકિકતમાં તબદીલ થઈ ગઈ હતી.

ભરૂચ જિલ્લાના વાગરામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વહેલી સવારે ST ડેપોમાં ગદર્ભ અને શ્વાન વચ્ચે ભારે વાકયુદ્ધ શરુ થયુ હતુ અને થોડો સમય સુધી ચાલેલા આ ઝઘડાએ લોકોનું ધ્યાનાકર્ષણ કર્યું નહોતુ. પરંતુ નજીકના એક ઝાડ પર આરામ કરતા એક કપિરાજને ગધેડા અને કુતરા વચ્ચેના ઝગડાથી ભારે ખલેલ પડી હતી અને ક્રોધિત થઈને ઝાડ પરથી વાંદરાએ છલાંગ લગાવીને ગદર્ભને સટાસટ ચારથી પાંચ તમાચા ચોડી દીધા અને અચંબામાં પડેલુ ગધેડુ વાંદરાના મારથી બચવા માટે આમ તેમ ભાગવા લાગ્યુ અને એક બાઈકસવાર સાથે ભટકાયુ હતુ. જે બનાવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ આખી ઘટનાને નજરે જોનારાઓએ બાળ વાર્તાના પાત્રો જીવંત બન્યા હોવાની લાગણી વ્યક્ત કરી હતી અને ત્રણ પ્રાણીઓ વચ્ચેની લડાઈ કુતુહલતા સાથે દિવસ દરમિયાનનું ભરપૂર મનોરંજન લોકોને મળી ગયુ હતુ.

Next Story