Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : બાકરોલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાના શિક્ષકોના નવતર અભિગમે બાળકો માટે શિક્ષણ બનાવ્યું આનંદપ્રદ

પંચમહાલ : બાકરોલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાના શિક્ષકોના નવતર અભિગમે બાળકો માટે શિક્ષણ બનાવ્યું આનંદપ્રદ
X

શિક્ષકની ક્ષમતાઓ માટે ચાણક્યનું વિધાન હતું કે એક શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. પ્રલય અને નિર્માણ તેના ખોળામાં રમે છે. અર્થાત બાળકોની શક્તિઓને વિધેયાત્મક રૂપ આપવું કે વિધ્વંશકારી તે શિક્ષક ઉપર નિર્ભર છે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની બાકરોલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા છે. આ શાળામાં ૪૬૫ બાળકો અભ્યાસ કરે છે અને તેમના શિક્ષણકાર્ય માટે ૧૪ શિક્ષકોનો સ્ટાફ છે. શાળાના પ્રવેશ દ્વારથી શરૂ કરીને સંકુલની દરેક દિવાલ બાળકો અને શિક્ષકોએ સાથે મળી કરેલા સર્જનથી જીવંત બની છે. બાળકોએ પ્લાસ્ટિકની બોટલો, ટાયરો વગેરેનો ઉપયોગ કરી જે સુંદર બગીચાનું નિર્માણ કર્યુ છે તે કોઈપણ આર્કિટેક્ચરની કલ્પનાને ટક્કર મારે તેવું છે. મુખ્ય શિક્ષકના કાર્યાલયથી લઈને શાળાના દરેક વર્ગખંડમાં ભણતરને ભાર વિનાનું બનાવતી અપાર શૈક્ષણિક સામગ્રી જોવા મળે છે અને આ દરેક સામગ્રી વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જાતે જ બનાવી છે.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="110617,110618,110619,110620,110621,110622,110623,110624,110625,110626"]

બાળકો પિરીયડ સિવાયના સમય દરમિયાન સંકુલમાં હરતા-ફરતા હોય ત્યારે પણ રમતા-રમતા ગણિત, વિજ્ઞાન, વ્યાકરણ, ભૂગોળ અને સામાન્ય જ્ઞાનની વિવિધ બાબતો શીખી શકે તે માટે તેને ગમ્મત પડે તેવા સ્વરૂપમાં પ્રદર્શિત કરવામાં આવી છે, જે બાળકો તો ઠીક મોટેરાઓનું પણ ધ્યાન આકર્ષે છે. બાળકો માટે જ્ઞાનોપાર્જન કરવામાં સ્કૂલનો સમય મર્યાદા ન બને તે માટે એક સુંદર ઓપન લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે, જે શાળાના સમયથી ૧ કલાક અગાઉ ખૂલે છે. બાળકો શાળામાં જે પણ સાંસ્કૃતિક-રચનાત્મક પ્રવૃતિઓ કરે તેને શાળાના યુટયુબ એકાઉન્ટ અને ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવે છે, જેથી વાલીઓ અને અન્યો પણ તેને નિહાળી શકે. આ માટે શાળાના વાર્ષિક અહેવાલમાં દરેક પ્રવૃતિની સાથે તેનો ક્યુઆર કોડ પણ આપવામાં આવે છે.

૨૦ વર્ષથી શિક્ષણક્ષેત્રે પ્રવૃત અને ૨૦૧૨થી શાળા સાથે જોડાનારા મુખ્ય શિક્ષક સતિષ પ્રજાપતિ જણાવ્યું હતું કે આ તમામ પ્રવૃતિઓ પાછળ એક જ ધ્યેય છે કે શાળામાં આવનારા બાળકો માટે શિક્ષણ બોજારૂપ ન રહેતા સતત નવુ શીખવાની એક આનંદમય પ્રવૃતિ બની રહે તેમજ બાળકો એકતાનું મહત્વ સમજી સમૂહમાં કામ કરતા શીખે, સામાજિક જીવનના સારા પાઠ શીખે તેમજ એક સારા નાગરિક તરીકે વિકસી એક સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિકસિત દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપે.

વિદ્યાર્થીઓના જ નહીં પરંતુ પોતાની શાળાના વિકાસ માટે પણ સમર્પિત થઈને તન મન અને ધનથી શ્રેષ્ઠ શિક્ષકો પ્રયાસો કરતા હોય છે અને તેનું ઉત્તમ ઉદાહરણ બાકરોલની શાળા અને તેના શિક્ષકો છે

Next Story