Connect Gujarat
દુનિયા

બે દિવસના પ્રવાસે રશિયા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

બે દિવસના પ્રવાસે રશિયા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ઐતિહાસિક પ્રવાસે રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બુધવારે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે કુલ 15 MOU( મેમોરેન્ડીયમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

રશિયાનાં બે દિવસનાં પ્રવાસ પર ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હાજરીમાં બંને દેશોની વચ્ચે સંરક્ષણને લઇને અવકાશયાન સુધીનાં 13 મોટા કરારો થયા. રશિયાનાં પૉર્ટ ટાઉન વ્લાદિવોસ્તોકમાં રશિયા અને ભારતનાં ડેલિગેશનની વચ્ચે 20માં રાષ્ટ્રિય સંમેલન બાદ બંને દેશોએ સંરક્ષણ, ટેકનોલોજી, એનર્જીથી લઇને સ્પેસ મિશન સુધી મહત્વનાં કરારો કર્યા.

રશિયાએ પ્રધાનમંત્રી મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સમ્માન ‘ઑર્ડર ઑફ સેંટ એન્ડ્રુ ધ અપોસ્ટલ’ આપવાની જાહેરાત કરી. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, “સ્પેસમાં આપણો લાંબો સહયોગ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. ગગનયાન એટલે કે ભારતીય હ્યુમન સ્પેસ ફ્લાઇટ માટે ભારતનાં એસ્ટ્રોનૉટ્સ રશિયામાં ટ્રેનિંગ લેશે.” લગભગ બે કલાક ચાલેલા આ સંમેલનમાં બંને દેશોનાં પ્રતિનિધિઓની વચ્ચે ઘણા વિષયો પર ચર્ચા થઈ. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે, ‘તેલ અને ગેસ, ખનન, સંરક્ષણ અને સુરક્ષા, હવાઈ અને સમુદ્રી કનેક્ટિવિટી, ન્યૂક્લિયર એનર્જી, ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેપાર અને રોકાણ સંબંધી વિષયો પર વાત થઈ. પ્રધાનમંત્રીએ અલગ અલગ ક્ષેત્રોમાં ભારત અને રશિયાની ભાગેદારીની ચર્ચા કરતા કહ્યું કે આજે આપણી વચ્ચે ડિફેન્સ, ન્યૂક્લિયર એનર્જી, સ્પેસ, બિઝનેસ ટુ બિઝનેસ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની સહમતિ બની છે.’

Next Story