Connect Gujarat
સમાચાર

વડોદરા ઓલ્ડ પાદરા રોડ ખાતે સદીઓ જૂના વૃક્ષોને બચાવવા રાખડી બંધાઈ !!!

વડોદરા ઓલ્ડ પાદરા રોડ ખાતે સદીઓ જૂના વૃક્ષોને બચાવવા રાખડી બંધાઈ !!!
X

નેચર વોક ગ્રૂપના સભ્યો દ્વારા વૈકલ્પિક રસ્તાઓ અપનાવવાની અરજ

રવિવારની વહેલી સવારે જ્યારે બહેનો પોતાના ભાઈ ને રાખડી બાંધીને લાંબા આયુષ્ય અને સર્વે બાધાઓ ને દુર રાખવાની પ્રાર્થના કરતી હતી ત્યારે શહેરના અંદાજે ૫૦ જેટલા નાગરિકો ઓલ્ડ પાદરા રોડ પર આવેલ અંદાજે ૧૦૦ જેટલા વૃક્ષો જે ૮૦ થી ૧૦૦ વર્ષની ઉમર છે તેને રાખડી બાંધી ને તેની લાંબી ઉમ્મરની પ્રાર્થના કરતાં જોવા મળ્યા હતા.

નેચર વોક ગ્રૂપ જે પર્યાવરણ ની જાળવણી અને સુરક્ષા માટે કાર્યશીલ છે તે ગ્રૂપ ના સભ્યો આજે વહેલી સવારે રક્ષાબંધન ની રજા હોવા છતાં વહેલી સવારે ઓલ્ડ પાદરા રોડ પર શિવ મહેલ થી લઈ ને અક્ષર ચોક સુધી આવેલ વર્ષો જૂના વૃક્ષો ને ઇકો ફ્રેંડલી રાખડીઓ બાંધીને તેના લાંબા આયુષ્ય અને રક્ષા માટે પ્રાર્થના કરી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="62710,62711,62712,62713,62714"]

નેચર વોક ગ્રૂપના સભ્યોએ જણાવ્યુ હતું કે, શહેરમાં બની રહેલ ગુજરાતનાં સૌથી લાંબા ફલાય ઓવર બ્રિજ ના નિર્માણમાં અંદાજે ૧૦૦ થી વધુ મોટા વૃક્ષોનું નિકંદન નીકળવાના અણસાર મળી રહેલ છે.

નેચર વોક ગ્રૂપ ના સભ્યો જે દર રવિવારે શહેર અને આસપાસ ના વિસ્તારોમાં જઈ પ્રાકૃતિક ધરોહરનું નિરીક્ષણ કરે છે અને સમય આવ્યે તેની જાળવણી માટેના પ્રયાસો કરે છે તેઓ એ આજે નેચર વોક ઓલ્ડ પાદરા રોડ ઉપર રાખ્યું હતું જેથી કરી ને શહેરીજનોને આ ઘનઘોર વૃક્ષોનું મહત્વ શું છે અને તેના જવાથી શું ગેરફાયદા થશે તે જાણવા મળે.

ત્યાર બાદ સભ્યોએ મુનિસિપલ કમિશ્નર શ્રી અજય ભાદુને સંબોધીને એક પત્ર પણ લખ્યો હતો જેમાં તેમણે જણાવ્યુ હતું કે નેચર વોક માં સમાજના અલગ અલગ ક્ષેત્રોમાં થી આવતા અને અલગ અલગ ઉમર ના લોકો જોડાયેલ છે.

તેમની જાણમાં આવ્યું છે કે કાલાઘોડા થી અક્ષર ચોક સુધી બનનારા ફલાય ઓવર બ્રિજ ના નિર્માણ માં શિવ મહેલ નજીક આવેલ વૃક્ષો ને કાપી નાખવામાં આવશે. જો આમ થશે તો વડોદરામાં જૂજ એવા ગ્રીન હોટ સ્પોટમાં નું એક હોટ સ્પોટ કાયમી ધોરણે ખતમ થઈ જશે. ગ્રૂપ ના સભ્યો શહેરના વિકાસ ના વિરોધી નથી પરંતુ જો આ વૃક્ષો પ્રત્યે સહાનુભૂતિ થી જોઈ ને તેમને સમાજ ના સિનિયર સિટીઝન ની જેમ સન્માન આપવામાં આવે તો એ આવનારી પેઢીઓ માટે એક આશીર્વાદ સમાન ગણાશે. તેમણે જણાવ્યુ હતું કે વૃક્ષોને કાપવા કરતાં બીજા વિકલ્પો નો વિચાર હવે દુનિયા ભરના દેશોમાં કરતાં થઈ ગયા છે.

વોહરા સમાજના ધર્મ ગુરુ ભાઈ સાહેબ નુરૂદ્દીન જે તેમના પરિવાર ના સભ્યો સાથે આવ્યા હતા તેમણે જણાવ્યુ હતું કે તેઓ ઘણા સમય થી નેચર વોક માં આવવાનું વિચારતા હતા અને આજે જ્યારે તેઓ તેમના પરિવાર સાથે જોડાયા ત્યારે તેમનું મન ભરાઈ આવ્યું હતું. “મોટા ભાગે આપણે વાહનમાં હોઈએ એટલે ધ્યાનમાં ના આવે પણ આજે જ્યારે તેઓ ચાલતા ચાલતા આ વૃક્ષો નીચે આવ્યા ત્યારે તેમને સમજાયું કે એક સાથે જો આટલા બધા વૃક્ષોનો ખાતમો બોલી જશે તો એમ લાગશે કે આપણા શરીરની લોહી ની એક ધોરી નસ કપાઈ ગઈ. આમ કોઈ પણ સંજોગોમાં ના થવું જોઇયે અને કોર્પોરેશન ના ઉચ્ચ અધિકારીઓએ આ ઘનઘોર વૃક્ષો ને બચાવવા બ્રિજ ની ડીજાઈનમાં ફેરફારો કરવા જોઈએ.

પર્યાવરણ વિદ્દ ડો જીતેન્દ્ર ગવળીએ જણાવ્યુ હતું કે વડોદરાની ઓળખાણ તે શહેરમાં આવેલ વડના વૃક્ષો છે અને ધીરે ધીરે વડોદરામાંથી વડ ની સંખ્યા ઘટી રહી છે. “વડ ની સાથે શમી, પેલ્ટોફોરમ, લીમડો તેમજ અન્ય વૃક્ષો આવેલ છે જે ઓછામાં ઓછા 70 થી 80 વર્ષ જૂના છે. જ્યારે આટલા મોટા વૃક્ષો કપાશે ત્યારે તેની અસર મેક્રો કલાઇમેટ ઉપર થશે. કોર્પોરેશનના વૃક્ષો વાવવાના પ્રયાસોને અમે બિરદવિએ છીએ પરંતુ જ્યારે આટલા મોટા વૃક્ષો કાપવાની વાત હોય ત્યારે અધિકારીઓએ વૈકલ્પિક ફેરફારો કરવાજ જોઇયે.”

જીવ જંતુ વિશેષજ્ઞ સુવર્ણા સોનાવણેએ જણાવ્યુ હતું કે “શિવ મહેલ પાસે આવેલ વૃક્ષોનું એક આગવું મહત્વ છે તેમાં ઘણા બધા પક્ષીઓ પોતાના માળા બનાવે છે અને દર વર્ષે રોઝી સ્ટાર્લિંગ નામનું પક્ષી વિદેશ થી આવે છે અને અમુક મહિનાઓ સુધી આજ વૃક્ષો ઉપર રાતવાસો કરે છે. આ ઉપરાંત ભર ઉનાળામાં પણ આ વૃક્ષોની નીચે ઊભા રહેતા ગરમી માં ઓછામાં ઓછી ચાર થી પાંચ ડિગ્રી નો ફરક પડે છે.”

વૃક્ષોને રાખડી બાંધ્યા બાદ સભ્યોએ મુનિસિપલ કમિશ્નર ને આપવામાં આવનાર પત્રમાં પોતાના હસ્તાક્ષર કર્યા હતા. ગ્રૂપ ના ફાઉંડર મેમ્બર અરુણ મજૂમદારે જણાવ્યુ હતું કે નેચર વોક ગ્રૂપ એ ફક્ત પર્યાવરણ ના વખાણ કરવા માટેજ નહીં પરંતુ તેની જાળવણી કરવામાટે અથાક પ્રયત્ન કરતું રહેશે. “અમે શ્રી અજય ભાદુ ને મળી આ વૃક્ષોને બચાવવાની નમ્ર વિનંતી કરીશું.”

Next Story