/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/newdelhi.jpg)
30 માર્ચ 2016ના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ ગાઇડલાઇન પર મંજૂરીની મહોર મારી હતી. તે ગાઇડલાઇન હતી રોડ એક્સિડન્ટના પીડિતોને મદદ કરનાર વ્યક્તિને પોલીસ કે અન્ય ઓથોરિટી દ્વારા હેરાન કરવામાં નહી આવે તે અંગે.આ ગાઇડલાઇન જાહેર કરવા હેઠળ સરકારનો હેતુ એ હતો કે માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિને સમયસર સારવાર મળે અને તેને બચાવી શકાય.
સરકારની આ પહેલ છતાં કેપિટલ દિલ્હીમાં એક ખૂબ જ ધૃણાસ્પદ અને શરમજનક ઘટના સામે આવી છે. દિલ્હીના સુભાષનગર વિસ્તારમાં વહેલી સવારે માર્ગ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ દોઢ કલાક સુધી કણસતો રહ્યો પણ દિલવાળી દિલ્હીના એક પણ નાગરિકે તેની મદદ કરી નહી. હદ તો ત્યારે થઇ જ્યારે એક રિક્ષા ચાલકે પીડિતને જોઇ તેની આ દશાનો લાભ ઉઠાવી પીડિતનો મોબાઇલ ફોન ચોરી લીધો.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેમાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ સવારે 5.30 કલાકે સુભાષનગરમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે એક ટેમ્પો ચાલકે તેને ટક્કર મારતા તે દૂર ફંગોળાઇ ગયો હતો. ટેમ્પો ચાલકે નીચે ઉતરીને તેને જોઇને ટેમ્પો લઇને ફરાર થઇ ગયો. ત્યારબાદ લગભગ દોઢ કલાક સુધી ત્યાંથી ઘણાં લોકો પસાર થયા પણ કોઇએ માર્ગ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિની મદદ કરી નહી. દોઢ કલાક પછી જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે કોઇએ પોલીસને જાણ કરી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.