Payments Council of India (PCI)એ સ્પષ્ટ કર્યું છે કે UPI પેમેન્ટ ગ્રાહકો માટે ફ્રી જ રહેશે. PCIના જણાવ્યા અનુસાર, દેશનો કોઈપણ નાગરિક કોઈપણ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવ્યા વિના UPI મારફતે તાત્કાલિક ડિજિટલ પેમેન્ટ કરી શકશે. નાના વેપારીઓ પાસેથી પણ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

PCIએ જણાવ્યું કે UPIની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે બેન્કો, ફિનટેક કંપનીઓ, National Payments Corporation of India (NPCI) અને Reserve Bank of India (RBI) ટેક્નોલોજી, સાયબર સિક્યોરિટી, ફ્રોડ પ્રિવેન્શન અને નવીનતા ક્ષેત્રે સતત રોકાણ કરી રહ્યાં છે.

PCIએ સ્પષ્ટતા કરી કે વેપારીઓ અને પેમેન્ટ પ્રોવાઇડર્સ વચ્ચેના વ્યાવસાયિક કરાર હેઠળ લાગુ પડતા કોઈપણ Merchant Service Charges (MSC)નો અર્થ એ નથી કે ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે.PCIના જણાવ્યા અનુસાર, UPI હવે દેશના મહત્વપૂર્ણ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હિસ્સો બની ગયું છે અને દરરોજ કરોડો લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. જેમ જેમ UPI ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તેમ તેની સુરક્ષા, વિશ્વસનીયતા, ફ્રોડ રોકથામ, ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત રોકાણ જરૂરી રહેશે, જેથી આવનારા વર્ષોમાં પણ UPI ગ્રાહકો અને વેપારીઓને ઝડપી અને વિશ્વસનીય સેવા આપી શકે.

જોકે, PCIએ એમ પણ જણાવ્યું કે ભવિષ્યમાં જો MDR (Merchant Discount Rate) ચાર્જ લાગુ કરવામાં આવશે, તો તે માત્ર ચોક્કસ મર્યાદા (થ્રેશોલ્ડ)થી વધુના ટ્રાન્ઝેક્શન પર જ લાગુ થશે અને તે પણ મર્યાદિત પ્રકારના વેપારી વ્યવહારો માટે. આ ચાર્જનો દર ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર લાગતા MDR કરતાં ઘણો ઓછો હશે.