ભરૂચના જંબુસરનો બનાવ
વિકાસની વાસ્તવિકતા જોવા મળી
માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય
દર્દીને ખાટલામાં લઇ જવાની ફરજ પડી
તંત્રની કામગીરી સામે રોષ
ભરૂચના જંબુસરમાં કાદવ-કીચડ વચ્ચે દર્દીને ખાટલા પર લઈ જવાની ફરજ પડી હતી ત્યારે તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચના જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલી ઇસ્માઇલ નગર સોસાયટીમાં રસ્તાની બદહાલી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના રસ્તા પર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રસ્તાની સ્થિતિ એટલી કથળી ગઈ છે કે 108 એમ્બ્યુલન્સ પણ અંદર સુધી પહોંચી શકતી નથી. જેના કારણે બીમાર દર્દીને ખાટલા પર સુવડાવીને કાદવ-કીચડ ભરેલા રસ્તા પરથી એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની ફરજ પડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન રસ્તા પર પાણી ભરાવા અને કાદવ થવાના કારણે અવરજવર મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીને સમયસર સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.સ્થાનિકોએ તંત્ર સમક્ષ રસ્તાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી પાકો અને ચાલવા-લાયક રસ્તો બનાવવાની માંગ કરી છે.
દરમિયાન, પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ પણ તંત્રને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી છે. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે.
