સુરતના ગોડાદરા વિસ્તારમાં પ્રેમસંબંધ અને બ્લેકમેલિંગની આડમાં બે સગા ભાઈઓએ એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપી ભાઈઓની અટકાયત કરી લીધી હતી.
સુરતના ગોડાદરા વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમસંબંધ અને બ્લેકમેલિંગની આડમાં બે સગા ભાઈઓએ એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. પીડિતાની ફરિયાદના આધારે ગોડાદરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને આરોપી ભાઈઓની અટકાયત કરી લીધી છે.
ગોડાદરા વિસ્તારમાં રહેતી સગીરાને અમિશ અલી નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ દરમિયાન અમિશ અલીના મોટા ભાઈ સાદીર અલીને આ પ્રેમસંબંધની જાણ થઈ ગઈ હતી. નાના ભાઈના પ્રેમસંબંધની વાત જાણીને મદદ કરવાને બદલે સાદીર અલીએ સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. પ્રેમસંબંધ જાહેર કરી દેવાની ધમકી આપીને સાદીર અલીએ પણ સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. બંને ભાઈઓના ત્રાસ અને બ્લેકમેલિંગથી કંટાળીને આખરે હિંમત દાખવી સગીરાએ સમગ્ર આપવીતી પોતાના પરિવારને જણાવી હતી. જે બાદ પીડિતાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અમિશ અલી અને સાદીર અલી વિરુદ્ધ ગંભીર ગુના હેઠળ નામજોગ ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોડાદરા પોલીસે ગુનો નોંધીને ત્વરિત તજવીજ હાથ ધરી હતી,અને બંને આરોપી ભાઈઓ અમિશ અલી અને સાદીર અલીની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ ચલાવી રહી છે.
