Connect Gujarat
Featured

અમદાવાદ : 60 વર્ષ જૂની રમણલાલ જોશીની ચાલીને તોડવા AMCની નોટિસ, જુઓ પછી સ્થાનિકોએ શું કર્યું..!

અમદાવાદ : 60 વર્ષ જૂની રમણલાલ જોશીની ચાલીને તોડવા AMCની નોટિસ, જુઓ પછી સ્થાનિકોએ શું કર્યું..!
X

અમદાવાદ મહાનગરપાલિકા હંમેશા કોઈના કોઈ વિવાદમાં રહે છે, ત્યારે હવે ફરી એકવાર AMC સામે એક 60 વર્ષ જૂની ચાલીને તોડવાના નિર્ણયને લઇ સવાલો ઉઠી રહ્યા છે. શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ રમણલાલ જોશીની ચાલીમાં વર્ષ 1972થી 85થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે, ત્યારે AMCના નિર્ણયથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વર્ષો જૂની ચાલીઓ આવેલી છે કે, જ્યા વર્ષોથી અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે, ત્યારે શહેરના ખોખરા વિસ્તારમાં રમણલાલ જોશીની ચાલીમાં છેલ્લા 60 વર્ષથી વસવાટ કરતાં 85થી વધુ પરિવારો ભારે મૂંઝવણમાં મુકાયા છે. અહીં રહેતા અનેક પરિવારો ગરીબ વર્ગના છે, જે દરરોજ કમાઈને પોતાનું ગુજરાન ચાલાવે છે, ત્યારે હવે AMC દ્વારા આ ચાલીને તોડી નાખવા માટે નોટિસ અપાઈ છે. જોકે લોકોને નોટિસ મળતા અહીં રહેતા પરિવારો હતપ્રભ થઈ જઈ આ નિર્ણય સામે વિરોધ કરી રહ્યા છે.

ખોખરા વિસ્તારમાં રમણલાલ જોશીની ચાલીમાં રહેતા કેટલાક પરિવારોમાં તો હવે ત્રીજી પેઢી આવી ગઈ છે. સ્થાનિકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, અહીં અમે છેલ્લા અનેક વર્ષોથી વસવાટ કરીએ છીએ. અમારા બાપ-દાદાના સમયથી અમારા મકાન છે. અમારી પાસે AMCના પાણી કનેક્શન અને GEBના વીજ કનેક્શન પણ છે. તો સાથે જ અમે સૌ સમયસર વેરા પણ ભરીએ છીએ, ત્યારે હવે AMCએ આ ચાલી ગેરકાયદેસર ગણાવી છે. જો અમોને બધું કાયદેસર આપવામાં આવ્યું હોય તો 60 વર્ષ બાદ ચાલી ગેરકાયદેસર કેવી રીતે બની ગઈ. તે એક મોટો સવાલ છે. જોકે AMC અને બિલ્ડરોની મિલીભગતથી કરોડો રૂપિયાની જમીન પચાવવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે.

જોકે, ચાલીમાં વર્ષોથી રહેતા લોકોને નોટિસ મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે, ત્યારે જગ્યા ખાલી નહીં કરવાની રજૂઆતો કોઈ સાંભળતું નથી. ઉપરાંત તંત્રના અધિકારીઓ અચાનક આવી મકાનો ખાલી કરવા લોકોને જણાવી રહ્યા છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ જગ્યા અમારો હક્ક તેમ જણાવી રહ્યા છે. જોકે સવાલ તે ઉભો થઇ રહ્યો છે કે, જો આ ચાલીની જગ્યા ગેરકાયદેસર છે તો 60 વર્ષથી રહેતા આ પરિવારોને પહેલા જાણ કેમ ન કરાઇ..! તો બીજી તરફ ચાલીના સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે, મોટા બિલ્ડરોની નજર આ જગ્યા પર છે, અને AMC તેની સાથે મળી આ જગ્યા પચાવવા માંગે છે, ત્યારે હવે આવનાર સમયમાં આ વિવાદ વધુ ઘેરો બને તો નવાઈ નહિ.

Next Story