/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/gujarathighcourt-main1.jpg)
ટ્રાફિકની સમસ્યાને દૂર કરવામાં આવે, આગામી ૨૦ વર્ષને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવેઃ HC
ગુજરાત હાઇકોર્ટમાં સોમવારે અમદાવાદ શહેરના બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે શહેરમાં અત્યારે ચાલુ કરવામાં આવેલી ટ્રાફિક ઝુંબેશ કામચલાઉ ન હોવી જોઈએ. સાથે જ કોર્ટે લોકોને વ્યવસ્થિત પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા આપવાની પણ ટકોર કરી હતી. સાથો સાથ કાયદાકીય પગલાથી સમસ્યાનો નિકાલ લાવી
આગામી ૨૦ વર્ષને ધ્યાનમાં રાખીને આયોજન કરવા નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટમાં આજે શહેરના રસ્તાઓની ખરાબ હાલત, રસ્તાઓ પર રખડતા ઢોર અને રસ્તાઓ પર કરવામાં આવેલા દબાણો પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે ટ્રાફિક મામલે રાજ્ય સરકાર અને અન્ય વિભાગોને નોટિસ પાઠવી હતી. કોર્ટે સરકારને પાર્કિંગ પોલીસી અને ફરી સર્વે કરવાનો આદેશ કર્યો હતો.
હાઇકોર્ટે કહ્યું હતું કે શહેરમાંથી ટ્રાફિકની સમસ્યાને સાવ દૂર કરવામાં આવે. લોકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન પડવી જોઈએ. સાથે જ કોર્ટે પબ્લિક ટ્રાન્સપોર્ટના ડ્રાઇવરોને ટકોર કરી હતી કે તેઓ રોડ પર નહીં પરંતુ બસ સ્ટેડન્ડી અંદર પોતાની બસો પાર્ક કરે જેનાથી રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે. આ મુદ્દે કોર્ટે મંગળવારે વચગાળાનો આદેશ કરી શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોર્ટમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે ઢોર પકડવા જતાં લોકો અધિકારીઓ પર હુમલા કરે છે, આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે કાયદાકીય પગલાઓથી સમસ્યાનો નિકાલ લાવો. શહેરમાં તમામ આયોજનો 20 વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. જરૂર પડે તો જીડીસીઆરમાં પણ ફેરફાર કરવામાં આવે. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે ડ્રાફિક ડ્રાઇવ કામચલાઉ ન હોવી જોઈએ.