/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/07121144/maxresdefault-74.jpg)
બોલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સંદિપસિંહની કંપનીએ વાયબ્રન્ટ ગુજરાત-2019માં રૂ. 177 કરોડનો એમઓયુ કર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ડૉ. મનીષ દોશીએ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, લીજેન્ડ ગ્લોબલ નામની કંપની સાથે ગુજરાત સરકાર દ્વારા કરાયેલા એમઓયુમાં બોલીવુડ એકટર વિવેક ઓબેરોય માત્ર 3 દિવસ માટે ડિરેક્ટર બન્યા હતા. આમ સુશાંતસિંહનું રહસ્યમય મોત મામલે કેસના પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા છે.
બીજેપી સરકાર પર આરોપ લગાવતા કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યુ હતું કે, સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સંદિપસિંહની કંપનીએ વર્ષ 2017માં 66 લાખની ખોટ અને વર્ષ 2018માં એકાએક રૂ. 61 લાખનો નફો કર્યો હતો, ત્યાર બાદ વર્ષ 2019માં રૂ. 4 લાખની ખોટ કરી હતી. આમ છતા આ કંપની સાથે ગુજરાત સરકારે વાયબ્રન્ટમાં રૂ. 177 કરોડના એમઓયુ કર્યા હતા. જોકે મનીષ દોશીએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ખોટ કરતી કંપની સાથે ગુજરાત સરકારે કેવી રીતે એમઓયુ કર્યા, તેનો જવાબ પણ ગુજરાત સરકારે આપવો જોઇએ. ઉપરાંત રાજ્ય સરકાર ગુજરાતી અભિનેતાઓ, કલાકારોને મદદ કરવાને બદલે અન્ય રાજ્યની કંપનીઓ પર કેમ મદદ વરસાવી રહી છે. એટલું જ નહિ પણ કોંગ્રેસે સંદિપસિંહના ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટા પણ પ્રસિદ્ધ કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, કરોડો રૂપિયાના ખર્ચે ઉજવાતા ઉત્સવો-ઇવેન્ટ ભાજપ સાથે ખાસ મળતીયા કંપનીઓને કરોડોના ફાયદા પહોંચાડવા યોજાતી હોય તેમ એક પછી એક MOUની સાચી હકીકત ખુલ્લી પડી રહી છે.