Connect Gujarat
Featured

“અમદાવાદ અગ્નિકાંડ” : કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં આગલાગતાં 8 દર્દીના મોત, સરકારે આપ્યા તપાસના આદેશ

“અમદાવાદ અગ્નિકાંડ” : કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં આગલાગતાં 8 દર્દીના મોત, સરકારે આપ્યા તપાસના આદેશ
X

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. જેમાં 8 કોરોનાગ્રસ્ત દર્દીના મોત થતાં સરકાર દ્વારા યોગ્ય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

અમદાવાદના નવરંગપુરામાં આવેલી કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે લગભગ 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. હોસ્પિટલમાં આગ લાગતા જ લોકોમાં ભારે દોડાદોડ મચી ગઈ હતી. જોતજોતામાં આગે ICU વોર્ડને લપેટમાં લેતા સંપૂર્ણ વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરના એડિશનલ ચીફ ઓફિસર રાજેશ ભટ્ટ સહિત 35 જેટલા ફાયરના જવાનો અને 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં 5 પુરુષ અને 3 મહિલા સહિત કુલ 8 કોરોનાગ્રસ્ત દર્દીના મોત થયા છે. જ્યારે 41 જેટલા ઇજાગ્રસ્ત દર્દીઓને સારવાર અર્થે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શ્રેય હોસ્પિટલને સંપૂર્ણ ખાલી કરી સીલ મારી દેવામાં આવી છે, ત્યારે હોસ્પિટલ બહાર પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો માહોલ પણ સર્જાયો હતો. શ્રેય હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે, કેમ તે પણ તપાસનો વિષય છે.

શ્રેય હોસ્પિટલમાં આગના બનાવ અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલ 50 બેડવાળી કોવિડ-19 હોસ્પિટલની માન્યતા ધરાવે છે. જ્યાં 40થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જેમાં આગ લાગવાની ઘટનામાં કુલ 8 કોરોનાગ્રસ્ત દર્દીના મોત થયા છે. સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ થશે. જોકે હોસ્પિટલમાં આગ લાગવા મામલે હાલ એડી દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે. જે પણ ઘટનામાં તથ્ય સામે આવશે તેના આધારે તપાસ કરી ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે. જ્યારે હોસ્પિટલની બેદરકારી હતી કે કેમ તે મામલે પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. જોકે ઘટના અંગે મૃતક દર્દીઓના પરિવારજનોને હોસ્પિટલની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો. શ્રેય હોસ્પિટલની બહાર પરિવારજનોનો ભારે હોબાળો મચાવતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

Next Story