Connect Gujarat
Featured

અમદાવાદ : શહેરમાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ, ઠેર ઠેર પાણીનો ભરાવો

અમદાવાદ : શહેરમાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ, ઠેર ઠેર પાણીનો ભરાવો
X

રાજયમાં શનિવારે રાતથી અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં ચોમાસાની જમાવટ થઇ હતી. અમદાવાદના શહેરી વિસ્તારોમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ વરસતાં ઠેર ઠેર પાણીનો ભરાવો થયો હતો. મોટા ભાગનો વિસ્તાર જળબંબાકાર બની જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

હવામાન વિભાગની આગાહી સાચી પડી હોય તેમ શનિવારે રાતથી રાજયના વિવિધ શહેરોમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. અમદાવાદમાં સવારે 4 વાગ્યે લોકો મીઠી નીંદર માણી રહી હતાં ત્યારે મુશળધાર વરસાદ તુટી પડયો હતો. અત્યાર સુધીમાં શહેરમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ચુકયો છે. ભારે વરસાદના કારણે વાસણા બેરેજના બે દરવાજા ખોલવાની ફરજ પડી હતી. શહેરમાં સવારે 4 થી 5 વાગ્યા સુધીના એક કલાકના સમયગાળામાં બે ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું.

અમદાવાદમાં ચકુડિયામાં 48 MM, ઓઢવમાં 43, વિરાટનગરમાં 21, પાલડીમાં 49, ઉસ્માનપુરામાં 59, ચાંદખેડામાં 21, રાણીપમાં 47, બોડકદેવમાં 40, ગોતામાં 29, સરખેજમાં 42,દાણાપીઠમાં 43, દૂધેશ્વરમાં 66, મેમ્કોમાં 66, નરોડામાં 63, કોતરપુરમાં 56, મણિગરમાં 38, વટવામાં 44, એમ.એમ. વરસાદ નોંધાયા છે.

અમદાવાદ શહેરના હાટકેશ્વર, મણિનગર ગોરનો કુવો, સીટીએમ, રામોલ, જામફળવાડી કેનાલ, જશોદાનગર, નેશનલ હાઈવે પરની આસપાસની અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ફરી વળ્યા છે. ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડમાં લોકોના ઘરોના ઓટલાઓ સુધી પાણી ભરાયા છે. મણિનગર જવાહરચોકથી ભૈરવનાથ, વટવા જીઆઈડીસી જવાના રોડ પર પુનિતનગર રેલવે ફાટક પાસે નીચાણવાળા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.

Next Story