ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં
સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે થઈ હતી બબાલ
ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને છરી મારી દેતા મોત
સિંધી સમાજના લોકોએ શાળાના આચાર્ય-સ્ટાફને માર માર્યો
સમગ્ર મામલે ખોખરા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના વિદ્યાર્થીને છરી મારી દેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઉશ્કેરાયેલા સિંધી સમાજના લોકોએ શાળાના આચાર્ય અને સ્ટાફને માર માર્યો હતો.
ગત તા. 19 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેમાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો. બનાવના પગલે સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ સહિત શાળા સંચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંભીર ઇજાના પગલે વિદ્યાર્થીને સારવાર અર્થે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. જોકે, વિદ્યાર્થીના મોત બાદ ઉશ્કેરાયેલા સિંધી સમાજના લોકોએ સેવન્થ ડે સ્કૂલમાં ઘૂસી જઈ પ્રિન્સપાલ અને સ્ટાફને માર માર્યો હતો. આ સાથે શાળામાં ભારે તોડફોડ પણ કરી હતી. આ મામલે શાળાના એડમીન જણાવ્યું હતું કે, કેટલાક દિવસો પહેલા 2 વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર થઈ હતી.
વિદ્યાર્થીએ શાળામાં રજૂઆત ન કરી પણ વાલીને રજૂઆત કરી હતી. ગઇકાલે જે ઘટના બની છે, તે શાળાની બહાર બની છે. વિદ્યાર્થીને છરી વાગતા પેટ પર હાથ મુકીને સ્કૂલમાં આવ્યો હતો. CCTVમાં બાળક પેટ પકડીને શાળામાં આવતો જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છરી મારનાર વિદ્યાર્થીની સામે અગાઉ 2 નાની મોટી ફરિયાદ થઈ હતી. વિદ્યાર્થી છરી લઇને શાળામાં આવ્યો ન હતો, પરંતુ બહાર રાખેલા વાહનમાં તેને છુપાવી હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે. તો બીજી તરફ, સગીરની માતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં હુમલો કરનાર ધોરણ 8ના વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે હુમલો કરનાર સગીર વિદ્યાર્થીને જુવેનાઇલ એક્ટ અંતર્ગત રાઉન્ડઅપ કર્યો હતો. આ સાથે પોલીસે બનાવ મામલે CCTV ફૂટેજ મેળવી તેમજ ઘટના સમયે હાજર અન્ય વિદ્યાર્થીઓના નિવેદન લીધા હતા.