“મહિલાઓએ રાત્રે પાર્ટીમાં જવું નહીં”ના પોસ્ટરનો મામલો
“રેપ થઈ શકે”ના પોસ્ટર લાગતાં શહેર પોલીસ સજ્જ થઈ
પોલીસે વિવિધ વિસ્તારોમાંથી 8થી વધુ બેનર્સ જપ્ત કર્યા
સતર્કતા ગ્રુપ સામે પોલીસે નોંધી છે જાણવા જોગ ફરિયાદ
તપાસના અંતે ગુનો દાખલ કરાશે : ઇન.DCP સફીન હસન
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં“મહિલાઓએ રાતની પાર્ટીઓમાં જવાનું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે” તેવા પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જોકે, આ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ થયો હતો. અંતે પોલીસે આ પોસ્ટર હટાવી સતર્કતા ગ્રુપ સામે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ટ્રાફિક પોલીસના સહકારથી સતર્કતા ગ્રુપ નામની સામાજિક સંસ્થાએ ટ્રાફિક અવેરનેસના બેનર લગાવ્યા હતા. આ સાથે કેટલાક વિવાદિત બેનર પણ લગાવ્યા હતા. જેમાં“મહિલાઓએ રાત્રે પાર્ટીમાં જવું નહીં, ગેંગ રેપ થઈ શકે છે”, “અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે”, આ પ્રકારના વિવાદિત બેનર ટ્રાફિક પોલીસના સહયોગથી લાગ્યા હોવાથી વિવાદ થયો હતો. જેને લઈને ગતરોજ તમામ વિવાદિત બેનર ઉતારી લેવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા ખુલાસો પણ આપવામાં આવ્યો છે.
ઝોન-1ના ઇન્ચાર્જDCP સફીન હસને જણાવ્યું હતું કે, શહેર પોલીસે ઝડપથી કાર્યવાહી કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 8થી વધુ બેનર્સ જપ્ત કરી લીધા છે.'સતર્કતા ગ્રુપ' નામનીNGOએ ટ્રાફિક પોલીસની મંજૂરી લીધી હતી. પરંતુ તે માત્ર ટ્રાફિક જાગૃતિના સંદેશાઓ માટે હતી. જેમાં હેલ્મેટ પહેરવા, મોબાઈલ ફોન પર વાત ન કરવી અને રોંગ સાઈડ પર ન જવું, જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો.
NGOએ ટ્રાફિક અવેરનેસના નિયમોની બહાર જઈ મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભા કરતા આવા વિવાદાસ્પદ બેનર્સ કોઈપણ અધિકારી કે, ટ્રાફિક પોલીસ કર્મચારીના ધ્યાને મુક્યા વગર લગાવ્યા હતા. વધુમાં ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે, તેમને આ વિવાદાસ્પદ બેનર્સ સાથે કોઈ લેવા દેવા નથી.
વધુમાં સતર્કતાNGOએ આ બેનર્સ શા માટે લગાડ્યા છે, તે જાણવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ જાણવાજોગની તપાસ દરમિયાન એ શોધવામાં આવશે કે, શું કોઈની પરવાનગી લીધી હતી કે નહીં, ત્યારે હવે તપાસના અંતે સતર્કતા ગ્રુપ સામે ગુનો નોંધવામાં આવી શકે છે તેમ અમદાવાદ શહેર પોલીસે જણાવ્યુ હતું.