કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદ ખાતેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારનું રણશિંગુ ફૂંકયું હતું તેઓએ તેમના સંબોધનમાં રાજ્યની પ્રજાને વિવિધ વાયદા કર્યા હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગું ફૂંકવા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો બબ્બર શેર આજે અહીં આવ્યા છે. તેઓ વિચારધારાની લડાઈ લડી રહ્યા છે.
સરકાર પટેલની દુનિયાની આ સૌથી મોટી મૂર્તિ BJP, RSS અને મોદીએ બનાવી છે. સરદાર પટેલના મોઢામાંથી જે શબ્દો નીકળતા હતા એ ખેડૂતોના હિત માટે નીકળતા હતા. તેમના વિના અમૂલ ઊભું ના થાત.એક તરફ ભાજપ તેમની મૂર્તિ બનાવે છે અને બીજી તરફ તેમનું જ અપમાન કરે છે. કોંગ્રેસ પક્ષે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવાં માફ કર્યા છે. અહીં પણ અમે દરેક ખેડૂતનું 3 લાખનું દેવું માફ કરીશું. ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોનાં મોત થયાં. શું સરકારે કોઈ વળતર આપ્યું? કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને અમે 4 લાખનું વળતર આપીશું. અમે 10 લાખ યુવાનને રોજગાર આપીશું.
રાહુલ ગાંધી સભા સ્થળેથી સીધા સાબરમતી આશ્રમ ગયા હતા. તેઓ પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સૂતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ગાંધીજીની પ્રતિમાને નમન કર્યા હતા. તેમને ગાંધી આશ્રમની પ્રતિકૃતિ રૂપે ચરખો ભેટમાં અપાયો હતો. અશોક ગેહલોતે કહ્યું હતું કે ગાંધી આશ્રમથી રાહુલ ગાંધીએ ભારત જોડો આંદોલનની શરૂઆત કરી છે અને હવે આખા ભારતમાં આ પ્રકારે ભારત જોડો કાર્યક્રમ કરશે.