રાજયમાં કાર્યરત 108 એમ્બયુલન્સ સેવા દેશના ગૃહમંત્રી અમિત શાહના બહેન માટે આર્શીવાદરૂપ સાબિત થઇ છે. ઉત્તરાયણના દિવસે તેમની તબિયત લથડયાં બાદ 108ની ટીમે તેમના માત્ર 35 મિનિટમાં જ હોસ્પિટલ પહોંચાડી દીધાં હતાં.
અંગ દઝાડતી ગરમી હોય કે પછી હોય હોય હાંજા ગગડાવતી ઠંડી, ધોધમાર વરસાદ હોય કે પછી હોય વાવાઝોડુ, પ્રસૃતિ હોય કે પછી હોય અકસ્માત.. કોઇ પણ સમયે 108ની ટીમ સૌથી પહેલાં સ્થળ પર પહોંચતી હોય છે. 108 એમ્બયુલન્સ સેવા રાજયના દરેક લોકો માટે આર્શીવાદરૂપ સાબિત થઇ છે. રાજા હોય કે પછી હોય રંક 108ની ટીમ હંમેશા તેમની સેવામાં તત્પર રહેતી હોય છે. હવે તમને જણાવીએ કે 108ની ટીમ કેવી રીતે ગૃહમંત્રી અમિત શાહની મદદે આવી... ઉત્તરાયણના દિવસે સૌ કોઇ પતંગ ચગાવવામાં મશગુલ હતાં તેવામાં 108ની ટીમને ઘાટલોડીયામાં આવેલાં અર્જુન ટાવરમાંથી એક મહિલાની તબિયત લથડી હોવાનો કોલ મળ્યો હતો. બોડકદેવના લોકેશન પર ઉભી રહેતી એમ્બયુલન્સ કોલ મળ્યાના 8 જ મિનિટમાં અર્જુન ટાવર ખાતે પહોંચી હતી અને મહિલાને માત્ર 35 જ મિનિટમાં કે. ડી હોસ્પિટલમાં પહોંચાડયાં હતાં. 108ની ટીમે જેમને હોસ્પિટલ પહોંચાડયાં હતાં તેઓ કોઇ સામાન્ય મહિલા ન હતાં પણ તેઓ દેશના ગૃહમંત્રી અમિત શાહના બહેન હતાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ બાબતની જાણ થઇ ત્યારે તેમણે પણ 108ની ટીમના કર્મચારીઓને બિરદાવ્યાં હતાં.