ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભલે કહેતાં હોય કે અમે કોઇ કોંગ્રેસીને અમારા પક્ષમાં લેવાના નથી પણ હાલની સ્થિતિ જોતા ઉલટી ગંગા વહી રહી હોય તેમ લાગી રહયું છે. કોંગ્રેસમાંથી પ્રવકતા પદેથી દુર કરાયેલાં જયરાજસિંહ પરમારે આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.
રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં રાજકારણમાં હેરાફેરીનો દોર શરૂ થઇ ગયો છે. નેતાઓ પોતાના સ્વાર્થ ખાતર એક પક્ષ છોડી બીજા પક્ષમાં સામેલ થઇ રહયાં છે. ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાનો પક્ષ છોડી ભાજપમાં ભળી રહયાં છે. કોંગ્રેસના પ્રવકતા તરીકે ભાજપને ભાંડનારા જયરાજસિંહ પરમાર પણ હવે ભાજપમાં સામેલ થઇ ગયાં છે. જયરાજસિંહ ભાજપમાં જોડાયાં તે પહેલાં શકિત પ્રદર્શન કર્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કમલમ ખાતે આવ્યાં હતાં. જયાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમને ખેસ પહેરાવ્યો હતો.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ અગાઉ કહી ચુકયાં છે કે તેઓ કોંગ્રેસમાંથી આવેલાં કોઇને પોતાની પાર્ટીમાં લેશે નહિ પણ અત્યાર સુધી વિપક્ષી પાર્ટીના અનેક નેતાઓને ભાજપે આવકાર્યા છે. આ પ્રસંગે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મે નક્કી કર્યું હતું કે કોંગ્રેસમાંથી કોઈને લાવવા નહિ.હું જયરાજસિંહને લેવા નથી ગયો, મને જયરાજ મળ્યાં. અમારા બીજા નેતાઓએ કહ્યું કે આપણે તેમને લેવા જોઈએ.મેં તેમને પૂછ્યું કોઈ એપક્ષા છે તો તેમણે ચૂંટણી લડવામાં રસ નથી એવું જણાવ્યું હતું. હવે તેમના માટે પાર્ટી નક્કી કરશે તેમને શુ જવાબદારી આપવી.
કોંગ્રેસના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની મુલાકાતે આવી રહયાં છે અને તે પહેલાં એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડી રહયાં છે ત્યારે સ્થાનિક નેતાગીરીની ક્ષમતા અંગે સવાલો ઉભા થઇ રહયાં છે. કોંગ્રેસના પુર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જયારે કોઇ વ્યકિત પક્ષ કરતાં પોતાની જાતને મોટો ગણવા લાગે ત્યારે આ પ્રકારની સ્થિતિ ઉદભવી છે અને જયરાજસિંહ પરમારના કિસ્સામાં પણ કઇ આવુ જ છે.