ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતેથી વધુ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીએ જાહેરાત પહેલા જ 118 ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. તેવામાં આજે AAP દ્વારા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની 10મી યાદીમાં વધુ 21 નામો જાહેર કરવામાં આવ્યા છે. આમ પણ આપ પાર્ટી ઉમેદવારોના નામ જાહેર કરવામાં સૌથી આગળ રહી છે, ત્યારે મહત્વની બેઠકો એવી વિરમગામમાં કુંવરજી ઠાકોર, સુરત પશ્ચિમથી મોક્ષેશ સંઘવી, ઠક્કરબાપાનગરમાં સંજય મોરી, બાપુનગરથી સંજય દીક્ષિતને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આમ, અત્યાર સુધીમાં AAP 139 જેટલા ઉમેદવારો જાહેર કરી ચૂકી છે. જોકે, 2 દિવસ પહેલાં 10 ઉમેદવારના નામ સાથેની યાદી જાહેર કર્યા બાદ આજે વધુ 21 ઉમેદવારની આપે જાહેરાત કરી છે. એમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકોનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની પણ 3 બેઠક પરથી પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.