અમદાવાદ : રસી વિના મુસાફરી નહિ, જુઓ AMTS અને BRTS માટે શું આવ્યો નિયમ
તહેવારોની મજા હવે કદાચ સજા બરાબર સાબિત થઈ રહી હોય તેમ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે.
તહેવારોની મજા હવે કદાચ સજા બરાબર સાબિત થઈ રહી હોય તેમ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. ખાસ કરીને અમદાવાદમાં કેસોની સંખ્યાને જોતાં એએમટીએસ અને બીઆરટીએસની બસોમાં મુસાફરી માટે વેકસીનના બંને ડોઝ લીધાં હોવાનું ફરજીયાત કરી દેવાયું છે...
ગુજરાત છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણના જે આંકડા સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે.આમ છતાં,અમદાવાદમાં કોરોના રસી આપવામાં લોકોમાં નિરસતા દેખાઈ રહી છે. અમદાવાદ શહેરમાં જ અંદાજે 9 લાખ નાગરિકો હજુ પણ બીજા ડોઝના રસીકરણથી વંચિત છે. દિવાળીના તહેવારો પૂર્વે જ રસીકરણની ઝુંબેશને વેગ આપવા અમદાવાદ મહાનગર પાલિકાએ ફરમાન કર્યું હતું કે, જેમણે બંને ડોઝનું રસીકરણ કર્યું હશે તેઓને જ કાંકરિયા કે મોલ-મલ્ટીપ્લેક્સમાં પ્રવેશ અપાશે.આ ઉપરાંત,સ્થાનિક AMTS/BRTSમાં પણ પ્રવેશબંધી ફરમાવી હતી.હવે જ્યારે અમદાવાદમાં રસીના બીજા ડોઝ માટે ઉદાસીનતા જણાઈ છે ત્યારે, મહાનગર પાલિકાએ સીટી બસોમાં મુસાફરી માટે વેકસીનના બંને ડોઝ ફરજિયાત બનાવી દીધાં છે.
રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 નવા કેસ નોંધાયા છે.જેમાં અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 16 કેસ સામે આવ્યા છે. શહેરના પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. 16 કેસમાંથી 11 અને 13 વર્ષના બે બાળક પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જો કે કોરોનાને કારણે રાજ્યમાં આજે કોરોનાથી એક પણ મોત નોંધાયું નથી. નવેમ્બર મહિનાના 10 દિવસમાં જ શહેરમાં 52 કેસ નોંધાયા છે અને તેની સામે 23 લોકો સાજા થયા છે.કોરોનાના કેસમાં વધારો થતા મનપાના આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે.