રાજ્યમાં 36 મા નેશનલ ગેમ્સનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો . જેની સાથે સ્પોર્ટ્સ કોન્કલેવ 2022નો પણ પ્રારંભ થયો છે. સૌ પ્રથમવાર યોજાયેલા આ સ્પોર્ટ્સ કોન્કલેવમાં દેશના ખ્યાતિપ્રાપ્ત ખેલાડીઓ પી.વી.સિંધુ, વી.વી.એસ લક્ષ્મણ, અંજુ બોબી જ્યોર્જ સહિત ભારતના આંતરરાષ્ટ્રીય રમતવીરો અને સ્પોર્ટ્સ નિષ્ણાતોનું રાષ્ટ્રનિર્માણ માં રમત-ગમતની ભૂમિકા તથા નવી શિક્ષણનીતિ અને સ્પોર્ટ્સ- બોડી ફિટ તો માઇન્ડ હિટ બંને વિષયોને લઈ ચર્ચા સત્ર યોજાયું હતું. "જુડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા"ના સંકલ્પ સાથે અમદાવાદના ગોધાવી ખાતે આવેલા સંસ્કારધામ સંકુલ ખાતે સ્પોર્ટ્સ કોન્ક્લેવનું આયોજન થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ગેમ્સના મેસ્કોટ સાવજ સાથે સમગ્ર સ્ટેડિયમમાં ખુલ્લી કારમાં રાઉન્ડ લગાવ્યો હતો અને સ્ટેડિયમમાં ઉપસ્થિત સહુ ખેલાડીઓ, મહેમાનો દરેકનુ અભિવાદન ઝીલ્યું હતું. નેશનલ ગેમ્સમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત વડોદરા, રાજકોટ અને ભાવનગરનું આયોજન કરાયું છે. નેશનલ ગેમ્સનો આજથી પ્રારંભ થયો છે, જે 12 ઓક્ટોબર સુધી ચાલશે. આ રમતોત્સવમાં દેશની 37 ટીમોના 7000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ રમતોત્સવનો પૂર્ણાહુતિ સમારોહ 10 ઓક્ટોબરે યોજાશે.