અમદાવાદ : મત ગણતરી સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયું, પેરામિલેટરી ફોર્સ પણ તૈનાત...

તા. 8 ડિસેમ્બરે વિધાનસભાના મતદાનની મતગણતરી, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખાતે EVM પર નજર, મત ગણતરી સ્થળ પોલીસ છાવણીમાં તબદીલ કરાયું

New Update
અમદાવાદ : મત ગણતરી સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયું, પેરામિલેટરી ફોર્સ પણ તૈનાત...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે પૂર્ણ થઇ ચુકી છે, અને 1621 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ચૂક્યા છે, ત્યારે પરિણામ શું આવશે તેની પર સૌની નજર મંડાઈ છે. ઇવીએમ મશીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવ્યા છે. આ સ્ટ્રોંગ રૂમ અને મત ગણતરી સ્થળ પોલીસ છાવણીમાં તબદીલ કરવામાં આવ્યા છે.

એક દિવસ બાદ એટલે કે, 8 ડિસેમ્બરે રાજ્ય વિધાનસભાની મતદાનની મતગણતરી થશે, ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ અમદાવાદની તમામ 21 વિધાનસભા બેઠકોના ઇવીએમ મત ગણતરી સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ મૂકી રૂમને સીલ કરી દેવામાં આવ્યા છે, તો સાથે ચૂંટણી પંચના અધિકારીઓ નિરીક્ષકો અને પોલીસ અધિકારીઓની હાજરીમાં આ રૂમ લોક થયા છે. હવે તા. 8 ડિસેમ્બરે આ રૂમ ખોલવામાં આવશે રૂમની બહાર પેરામિલેટરી ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, અહી બેરીકેડ પણ લગાવી દેવામાં આવ્યા છે.

દરેક વિધાનસભા દીઠ અલગ અલગ પોલીસની ટીમો પણ ફાળવવામાં આવી છે. સાથે જ મેટલ ડિરેક્ટર સહિતના આધુનિક ઉપકરણથી સજ્જ સ્થાનીય તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. તો અમદાવાદમાં જ્યાં મત ગણતરી થવાની છે, તે સરકારી પોલિટેકનિકને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે. 24 કલાકનો સ્ટ્રોંગ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. અહી પોલીસ અને ટેકનિકલ એક્સપર્ટની ટીમ આ સીસીટીવી કેમેરાનું સતત મોનીટરીંગ કરી રહી છે. એટલું જ નહીં પણ આ કંટ્રોલ રૂમને અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ સાથે પણ મર્જ કરવામાં આવ્યો છે. આમ સ્થાનીય પોલીસ વહીવટી તંત્રએ સુરક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.

Latest Stories