Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: 11 વર્ષની દીકરી બની એક દિવસની કલેક્ટર, વાંચો તંત્રએ શા માટે લીધો સંવેદનશીલ નિર્ણય

અમદાવાદ: 11 વર્ષની દીકરી બની એક દિવસની કલેક્ટર, વાંચો તંત્રએ શા માટે લીધો સંવેદનશીલ નિર્ણય
X

"મારે કલેક્ટર બનવુ છે"અને ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બની 11 વર્ષની બ્રેઇન ટ્યુમર થી પીડાતી ફ્લોરાની અદમ્ય ઈચ્છા અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ પૂર્ણ કરી વહીવટી તંત્રની અત્યંત સંવેદનશીલ પહેલ.

'મારી ૧૧ વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ ૭માં અભ્યાસ કરી રહી છે. ભણી-ગણીને કલેક્ટર બનવું તેનું સ્વપ્ન છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે બીમાર છે. ડોક્ટર કીધું છે કે તેમને બ્રેઇન ટ્યુમર છે. જેથી અમે બધા ખૂબ જ ચિંતિત છીએ. ચિંતા તેના સ્વપ્નને પૂર્ણ કરવાની પણ છે કે હવે તે ક્યારેય કલેક્ટર બની શકશે ? શું ક્યારેય મારી દીકરી ફ્લોરાનું કલેક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે ખરૂ ?...' અને ફ્લોરા એક દિવસ માટે કલેકટર બની આ શબ્દો છે ફ્લોરાની માતા સોનલબેન આસોડિયા.

ફ્લોરાની કલેક્ટર બનવાની અદમ્ય ઈચ્છા જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેને જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ક્ષણભર પણ વિલંબ કર્યા વિના તેને એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાત સ્વીકારી. આજે ફ્લોરા તથા તેના આખા પરિવારે જિલ્લા કલેક્ટર કચેરીમાં એક દિવસ માટે ફ્લોરાના કલેક્ટર બનવા ના સ્વપ્નને સાકાર થતા જોયુ.

સરગાસણ માં રહેતી ફ્લોરાને જિલ્લા કલેકટર ગાડીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં લાવવામાં આવી હતી. ત્યાં દરવાજે તેને ગાર્ડ ઓફ ઓનર અપાયું... ત્યાંથી ફ્લોરાને સીધી જ જિલ્લા કલેકટર ની ચેમ્બર માં લઈ જવાઈ... જિલ્લા કલેકટરએ સ્વયં ફ્લોરાને કલેક્ટરશ્રીની ખુરશી પર બેસાડીને ફ્લોરાની ઇચ્છાપૂર્તિ કરી. ફ્લોરાના ચહેરા પર પણ સ્મિત રેલાયુ હતુ.

જિલ્લા કલેકટર સંદીપ સાગલેના આ સંવેદનાપૂર્ણ ઘટના વર્ણવતા કહ્યું હતું કે, ' ફ્લોરા છેલ્લા સાત માસથી બ્રેઈન ટ્યુમર થી પીડાય છે, નાનપણથી જ ભણવામાં તેજસ્વી એવી ફ્લોરાને કલેક્ટર બનવાની અદમ્ય ઈચ્છા છે... મેક અ વીશ ફાઉન્ડેશન દ્વારા મને જાણ થઈ કે આ દીકરી બ્રેઈન ટ્યુમર થી પીડાય છે, અને તેને કલેક્ટર બનવાની બહુ ઈચ્છા છે.. મેં પળનો પણ વિલંબ કર્યા વિના મારા અધિકારીઓને તેના ઘરે મોકલી ફ્લોરાની આ ઈચ્છા પુર્ણ કરવાની તૈયારી બતાવી... દીકરીની નાજૂક તબિયતના પગલે તેના માતા પિતા થોડી અવઢવમાં હતા... તેમના પરિવારજનો કદાચ મારી સામે આ રજૂઆત કરવામાં સંકોચ અનુભવી રહ્યા હતા. પણ મેં કહ્યું કે, આખું જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે બસ તેને એક દિવસ કલેક્ટર કચેરીમાં લાવો... તેના માતા પિતા તૈયાર થયા અને તેમના સહયોગ અને ઈચ્છાથી ફ્લોરાને એક દિવસ માટે કલેક્ટર બનાવી શકાઈ...

જિલ્લાના વડા તરીકે આ દીકરી ની ઈચ્છા સાકાર કરવાનો મને અવસર મળ્યો તે મારા માટે ગૌરવની વાત છે...' એમ તેમણે ઉમેર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્રએ ફ્લોરા નો પરિવાર પાસેથી ફ્લોરાની ઈચ્છા જાણીને તેને એક ટેબ્લેટ, બાર્બી ગર્લ સેટ તંત્ર દ્વારા આપ્યો હતો. આ ઉપરાંત કલેક્ટરશ્રીની ચેમ્બરમાં ફ્લોરાના જન્મ દિવસ નિમિત્ત બનાવી કેક પણ કાપવામાં આવી હતી.

Next Story