Connect Gujarat
અમદાવાદ 

હોળી-ધૂળેટી ઉજવવા અમદાવાદીઓમાં થનગનાટ, રંગ-પિચકારી ખરીદવા બજારોમાં ભીડ જામી

અમદાવાદ શહેરના અનેક બજારોમાં રંગ અને પિચકારી સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જામી હતી.

X

હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવવા રાજ્ય સહિત દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના અનેક બજારોમાં રંગ અને પિચકારી સહિતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જામી હતી.

ખાસ કરીને ગુજરાતીઓ હોળીના તહેવારની સમગ્ર વર્ષ રાહ જોતા હોય છે. અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર છે અને અહીં હજારો સોસાયટી અને ક્લબમાં પણ હોળીનો તહેવાર ઉજવાય છે, ત્યારે આ વર્ષે બજારમાં 100 રૂપિયાથી લઇ 1000 રૂપિયા સુધીની પિચકારી વેચાઈ રહી છે. બાળકોના પ્રિય કેરેક્ટરો સાથેની પિચકારીઓની માંગ પણ વધુ છે. સાથે જ સ્કૂલ બેગ ટાઈપ પિચકારી પણ અત્યારે ટ્રેન્ડ કરી રહી છે. નાના બાળકોમાં બંદૂક પિચકારી સૌથી વધારે વેચાઈ રહી છે. તો રંગોમાં પણ 200થી લઇ 800 રૂપિયા કિલો સુધીના રંગ બજારમાં વેચાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દર વર્ષે પિચકારી અને કલરમાં 10થી 15%નો ભાવ વધારો જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે 25થી 30%નો ભાવમાં વધારો આવ્યો છે. આમ છતાં લોકો ખરીદી કરી તહેવારને મનાવવા માટે થનગની રહ્યા છે.

છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે હોળી-ધૂળેટીના તહેવારના રંગમાં ભંગ પડ્યો હતો. જોકે, આ વર્ષે લોકો દિલથી આ તહેવાર મનાવવા ઇચ્છતા હોય તેમ લાગી રહ્યું છે. વેપારીઓમાં પણ શરૂઆતમાં ડર હતો, જેના કારણે તેઓએ પણ માલની ઓછી ખરીદી કરી હતી. પરંતુ આજે ખરીદી વધતા દિવાળીની જેમ ધૂળેટીના દિવસે દરેક વસ્તુ વેચાઇ જશે તેવી વેપારીઓને પૂરો વિશ્વાસ છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે અનેક ધંધા-રોજગારને સીધી અને આડકતરી રીતે અસર પહોંચી છે. પરંતુ વર્તમાન સમયમાં છૂટછાટ મળતા લોકોમાં દરેક તહેવારોને ઉત્સાહથી ઉજવવા માટે થનગનાટ જોવા મળ્યો છે.

Next Story