અમદાવાદ : સોલામાંથી માસૂમ બાળકી ગાયબ કે કિડનેપ ? 70 જેટલા પોલીસની ટીમ શોધખોળમાં લાગી

Update: 2021-01-23 09:19 GMT

અમદાવાદ શહેરના સોલા પોલીસ વિસ્તારમાંથી એક દસ વર્ષીય બાળકી ગૂમ થયાની ફરિયાદથી ચકચાર મચી છે. સોલા પોલીસે તાબડતોબ બાળકીને શોધી કાઢવા 70 જેટલા પોલીસ કર્મીઓને કામે લગાડી ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. બાળકીનું અપહરણ થયું છે કે ગૂમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શહેરના સોલા પોલીસ વિસ્તારમાંથી એક 10 વર્ષની બાળકીના ગુમ થવાની વધુ એક ઘટના સામે આવી છે. ઓછું બોલી શકતી અને ઓછું સમજી શકતી બાળકી ખરેખર ગાયબ થઈ છે, અપહરણ થયું છે કે પછી તે જાતે ક્યાંક જતી રહી છે તે અંગે સોલા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ગત 16 જાન્યુઆરીના રોજ સોલા પોલીસ વિસ્તારના હેમંતપુર ફાટક પાસેના ઝૂપડામાં થી આ બાળકી રમતા રમતા ગાયબ થઈ ગઈ હતી. 10 વર્ષ જેટલી ઉંમરની બાળકી ઓછું બોલી અને સમજી શકતી હતી. સોલા પોલીસને આ બાબતે જાણ થતાં ગુમ થયાની સત્તાવાર ફરિયાદ નોંધી ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે સર્ચ ઓપરેશન માટે ડ્રોનની મદદ સાથે 70 જેટલા પોલીસ કર્મચારીઓને વિવિધ ટીમો બનાવી કામે લગાડ્યા છે.

સોલા પોલીસ બાળકીના ગુમ થયાની દરેક એંગલથી તપાસ કરી રહી છે. બાળકી ગુમ થઈ છે કે પછી તેને કીડનેપ કરવામાં આવી છે. તે અંગે પણ પોલીસે તપાસ આરંભી છે. પોલીસે બાળકી શોધ માટે 5 હજાર જેટલા પોસ્ટર છપાવી તેને વિવિધ જાહેર સ્થળોએ ચોંટાડી લોકોને બાળકી ક્યાંય જોવાય તો જાણ કરવા અપીલ કરાઇ છે. સોલા પોલીસ વિસ્તારના સાત કિલો મીટરના એરિયામાં ડ્રોનની મદદથી પોલીસે સર્ચ ઓપરેશન કર્યું છે. સાથે જ ટેક્નોલૉજી અને હ્યુમન ઇંટેલિજન્સની મદદથી માસૂમ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી છે.

Tags:    

Similar News