અમદાવાદ : મહાનગરપાલિકામાં ભાજપને પુર્ણ બહુમત જયારે કોંગ્રેસે શાખ બચાવી

Update: 2021-02-23 12:58 GMT

અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપે પુર્ણ બહુમત સાથે સત્તા મેળવી લીધી છે. અમદાવાદ મહાનગરપાલિકાની 192માંથી 150 કરતાં વધારે બેઠકો ભાજપ જીતી ચુકી છે.

ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા ગણાતી અમદાવાદમાં ભાજપે ધમાકેદાર બહુમતી મેળવી છે. ગત ટર્મ કરતાં ભાજપને વધારે જયારે કોંગ્રેસને ઓછી બેઠકો મળી છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓને મતદારોએ ઘરે બેસાડી દીધાં છે. અમદાવાદમાં ભાજપે કરેલા વિકાસના કામોને મતદારોએ મંજુરીની મહોર મારી છે. અમદાવાદના 48 વોર્ડની 192 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી પણ કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થતાં ચૂંટણી પહેલાં જ ભાજપે એક બેઠક જીતી લીધી હતી. મંગળવારના રોજ હાથ ધરાયેલી મત ગણતરીમાં ભાજપનું સ્ટીમરોલર ફરી વળ્યું હતું.

રવિવારે થયેલાં ઓછા મતદાન બાદ ભાજપની સ્થિતિ બગડશે તેવી ગણતરીને મતદારોએ ખોટી સાબિત કરી દીધી છે. આમ આદમી પાર્ટી અને એઆઇએમઆઇએમને ધારી સફળતા મળી ન હતી. મંગળવારે સવારથી અમદાવાદની એલ.ડી. એન્જીનીયરીંગ તથા ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતની મતગણતરીથી પાછળ ફેંકાયેલી કોંગ્રેસ બેઠી થઇ શકી ન હતી. સાંજ સુધીમાં ભાજપ 191માંથી 150 કરતાં વધારે બેઠકો જીતી ચુકી હતી. કોંગ્રેસના વિપક્ષી નેતા દિનેશ શર્મા સહિત અનેક નેતાઓને હારનો સામનો કરવો પડયો હતો. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત રહયો હતો.

Tags:    

Similar News