અમદાવાદ : ભગવાનના ધાર્મિક યંત્રના બિઝનેસની આડમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 16 લોકોની ધરપકડ…

બાતમીના આધારે ખાડિયા પોલીસે દરોડો પાડ્યો હતો. આરોપી નિમેષ ચૌહાણ ટીવી બેસાડી તેમાં ઓનલાઇન અલગ અલગ યંત્ર દર્શાવી લોકોને જુગાર રમાડતો હતો.

Update: 2023-03-09 13:21 GMT

અમદાવાદ શહેરના ખાડિયા શોપિંગ સેન્ટરમાં ધાર્મિક યંત્ર બિઝનેસની આડમાં ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. એલઇડી ટીવી ઉપર ઓનલાઇન જુગાર રમતા 16 લોકોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં આરોપીઓ અલગ અલગ ધાર્મિક યંત્રનાં ચિહ્નો ઉપર ઓનલાઇન જુગાર રમાડતા હતા. 10 ચિહ્નો પૈકી 1 ચિહ્ન આવે તો 10 ગણા રૂપિયા આપતા હોવાનું જાણી પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

અમદાવાદના ખાડિયા શોપિંગ સેન્ટરના ભોંયરામાં નિમેષ ચૌહાણ નામનો શખ્સ દુકાન ભાડે રાખી ટીવી ઉપર યંત્ર દર્શાવી લોકોને જુગાર રમાડતો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખાડિયા પોલીસે દરોડો પાડ્યો હતો. આરોપી નિમેષ ચૌહાણ ટીવી બેસાડી તેમાં ઓનલાઇન અલગ અલગ યંત્ર દર્શાવી લોકોને જુગાર રમાડતો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, ગ્રાહક કોઇ એક યંત્ર ઉપર રૂ. 11નો દાવ લગાવે. ત્યારબાદ 15 મિનિટ પછી તેનો ઓનલાઇન ડ્રો થાય, તેમાં જે યંત્ર આવે તે ગ્રાહકને રૂ. 100 આપવામાં આવતા હતા. પોલીસ દ્વારા ટીવી, પ્રિન્ટર, સીપીયુ, કીબોર્ડ, માઉસ, કમ્પ્યૂટર પાવર કેબલ, ડેટા કેબલ, ડીલક્ષ ઓનલાઇન માર્કેટિંગ નામનાં યંત્ર, ટોકન, ‌સ્ટિકર તથા 8150ની રોકડ રકમ એમ કુલ 41 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ધાર્મિક યંત્રના જુગારધામ પરથી જુગાર રમાડનાર નિમેષ ચૌહાણ, જુગાર રમનાર રાજુ દરબાર, નિલાંગ ભટ્ટ, અતીત રાવલ, મૂકેશ શર્મા. બિપિન ઠાકોર, દર્શન મહેતા, અલ્પેશ રાવલ, અંકિત પટેલ, ઉપેન્દ્ર નિર્મળ, દર્શન રાણા, મનીષ રાણા, હર્ષદ બારોટ, મેહુલ ચૌહાણ, પ્રકાશ સોલંકી અને પ્રતીક રાણાની ખાડિયા પોલીસે ધરપકડ કરી હતી. દર 15 મિનિટે લકી ડ્રો થતો, જેમાં ભાગ્યે જ કોઈને 10 ગણા પૈસા મળતા. એલઇડીના સ્ક્રીન પર 10 યંત્ર ઓનલાઈન દેખાતા હતા.

દરેક યંત્રનો દર 15 મિનિટે લકી ડ્રો થતો હતો, જેમાં ભાગ્યે જ કોઈને 10 ગણા પૈસા મળતા હતા. મોટાભાગના લોકો એક વાર લાગશે તેમ સમજીને વારંવાર જુદા જુદા યંત્ર પર પૈસા લગાવતા હતા, જેમાં 10 રૂપિયા લગાવવાના ચક્કરમાં વારંવાર પ્રયાસો કરી કોઈ 100 રૂપિયા સુધી પણ લગાવી દેતા હતા. જોકે, એક વાર આની લત લાગી જાય, તો બીજી વાર લાલચમાં ખેંચાઈને જતા હોય છે. તો, શહેરમાં શરૂ કરવામાં આવેલ યંત્રના નામે જુગારમાં ઓનલાઇન વરલી-મટકાનો જુગાર ખુલ્લેઆમ બેરોકટોક ચાલી રહ્યો છે.

Tags:    

Similar News