અમદાવાદ : કામધંધો ન હોવાથી 4 મિત્રો નકલી પોલીસ બનીને કરતાં હતા લૂંટ, અસલી પોલીસે કરી ધરપકડ

અમદાવાદ શહેરમાં 4 મિત્રોએ નકલી પોલીસ બનીને એક વ્યક્તિ પાસેથી રૂપિયા 15 હજારનો તોડ કર્યો હતો.

Update: 2023-04-12 12:35 GMT

અમદાવાદ શહેરમાં 4 મિત્રોએ નકલી પોલીસ બનીને એક વ્યક્તિ પાસેથી રૂપિયા 15 હજારનો તોડ કર્યો હતો. આ મામલે પોલીસે ચારેય મિત્રોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરના વસ્ત્રાલ ચાર રસ્તા નજીક આવેલ ગેસ્ટ હાઉસમાંથી એક વ્યક્તિ બહાર નીકળતા તેનો પીછો કરીને તેને સુરેલીયા એસ્ટેટ નજીક રોક્યો હતો. જેને પોલીસ હોવાની ખોટી ઓળખ આપી 4 મિત્રોએ પૈસા પડાવવાનું નક્કી કર્યું હતું. આરોપીઓએ તમારા વિરુદ્ધ ગુનો દાખલ કરીશું, તેમજ કેસ નહીં કરવા માટે રૂપિયા 25 હજારની માંગણી કરી હતી. બાદમાં એટીએસ ખાતે લઇ જઇને બળજબરીથી 15 હજાર પડાવી લીધા હતા. જે અંગેની જાણ પોલીસને થતાં પોલીસે બાતમીના આધારે ચાર આરોપીઓેને ઝડપી લીધા છે. રામોલ પોલીસે હીતેષ શાહ, ફીરોજ શેખ, શાહરૂખ અંસારી અને સીરાજખાન પઠાણ નામના ચાર આરોપીઓની વસ્ત્રાલ ચાર રસ્તા પાસેથી ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ મિત્ર છે. જોકે, તેમની પાસે કોઇ કામ ધંધો ના હોવાથી તેમણે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે નકલી પોલીસ બનીને રૂપિયા પડાવવાનું નક્કી કર્યું હતું. પકડાયેલા આરોપીઓમાંથી હીતેષ શાહ અને ફીરોજ શેખ અગાઉ રામોલ, બાપુનગર અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે નકલી પોલીસના ગુનામાં પકડાયેલ છે. હાલમાં પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરીને તેમણે આ સિવાય અન્ય કોઇ ગુનો આચર્યો છે કે કેમ, તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News