અમદાવાદ : રેલ્વે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો, હવેથી રૂ. 30 ચૂકવવા પડશે...

વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે.

Update: 2022-10-10 05:40 GMT

એક તરફ તહેવારોની સીઝન આવી રહી છે, અને એમાં પણ ચોતરફ મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે હવે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, સીઝન પ્રમાણે તેમજ માંગને જોતા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવતો હોય છે.

વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, અત્યાર સુધી તમે કોઈ સગા-સંબંધી કે, મિત્ર વર્તુળને રેલ્વે સ્ટેશને લેવા-મૂકવા જતા પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા, જ્યારે હવે તેમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. એટલે કે, હવેથી અમદાવાદ રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના નવા દર 30 રૂપિયા કરી દેવાયા છે. દિવાળીની સીઝનમાં ટ્રાફિક વધુ રહેતા હોવાથી ટ્રાફિક ઘટાડવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, દર વર્ષે સામાન્ય રીતે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 100થી150%નો વધારો થતો હોય છે. પરંતુ આ વર્ષે માંગ અને બુકિંગને જોતા તંત્રએ દિવાળીની સીઝન માટે 30 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ કરી છે. તો બીજી તરફ ભારતીય રેલ્વેએ દેશની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનું ટેગ આપીને તમામ શ્રેણીઓના ભાડામાં જંગી વધારો કરી દેવાયો છે. ટ્રેનોના AC-1 અને એક્ઝિક્યુટિવ શ્રેણીમાં પ્રતિ મુસાફર 75 રૂપિયા, AC-2 અને 3, ચેરકારમાં 45 રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં 30 રૂપિયા પ્રતિ યાત્રી ભાડું વધારી દેવાયું છે. આ પ્રકારે મુસાફરને એક પીએનઆર બુકિંગમાં AC-1માં 450 રૂપિયા, AC-2 અને 3માં 270 અને સ્લીપરમાં 180 રૂપિયા મુસાફરે વધારાની ચૂકવણી કરવી પડશે.

Tags:    

Similar News