CM ભુપેન્દ્ર પટેલે હિંમતનગર-ખંભાત હિંસા મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી વાંચો શું આપ્યા આદેશ

રામનવમીના દિવસે થયેલી ઘટનાઓની તલસ્પર્શી સમીક્ષા માટે ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજી

Update: 2022-04-12 16:28 GMT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હીંમતનગર અને આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી ઘટનાઓની તલસ્પર્શી સમીક્ષા માટે ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજી હતી.

રાજ્યની શાંતિ, સલામતિ અને સામાજીક સમરસતાને ખલેલ પહોચાડવાના પ્રયાસો, આ બે સ્થળોએ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવ્યા છે, તેને ગંભીરતાથી લઇ ગૃહ વિભાગે અને પોલીસ તંત્રએ ઘટનાઓમાં સંડોવાયેલી વ્યક્તિઓ સામે સખત પગલા ભરવાની કાર્યવાહી કરી દીધી છે, તેમ આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ મુખ્યમંત્રીને માહિતગાર કરતાં જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, આ ઘટનાઓના અનુસંધાને ખંભાતમાં ૯ વ્યક્તિઓ અને હિંમતનગરમાં ૨૨ વ્યક્તિઓ મળી કુલ ૩૧ વ્યક્તિઓ સામે પોલીસે ધરપકડ સહિતની કાયદેસર કાર્યવાહી કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અને ગૃહ વિભાગને સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત શાંત, સલામત સુરક્ષિત અને વિકસીત રાજ્ય તરીકે દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે, તેને જાળવી રાખવા પોલીસ તંત્ર સમાજ જીવનની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડકાઇથી પેશ આવે ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યમાં શાંતિ સલામતિ અને સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તેમા રૂકાવટ કરનારા તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટીયા અને વરીષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News