આણંદ : બોરીયા ગામે કરાયું ફરીથી મતદાન, મત ગણતરી દરમ્યાન EVMમાં સર્જાઈ હતી ટેકનિકલ ખામી

Update: 2021-03-04 08:51 GMT

આણંદ જિલ્લા પંચાયતની સિહોલ બેઠકના બોરીયા ગામે આજરોજ ફરીથી મતદાન કરવામાં આવ્યું હતું. મત ગણતરી દરમ્યાન EVMમાં ટેકનિકલ ખામી સર્જાતા ચૂંટણી અધિકારી દ્વારા આ બેઠક માટે ફરીથી મતદાન કરવા અંગે અહેવાલ આપવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયતની ગત તા. 28મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં સિંહોલ મતદાર મંડળમાં સમાવિષ્ટ મતદાન મથક બોરીયા-1 ખાતે ઉપયોગમાં લેવામાં આવેલ કંટ્રોલ યુનિટમાં 2જી માર્ચના રોજ મત ગણતરીની પ્રક્રિયા દરમ્યાન ખામી સર્જાઈ હતી, ત્યારે કંટ્રોલ યુનિટમાંથી પરિણામ મળી શકે તેમ ન હોવાથી ચૂંટણી અધિકારી દ્વારા આ બેઠક માટે ફરીથી ચૂંટણી કરવા માટે જીલ્લા ચૂંટણી અધિકારીને અહેવાલ આપવામાં આવ્યો હતો.

જોકે, ભારત ઈલેકટ્રોનિકસ લીમીટેડના (બેલ) મેન્યુફેકચરર કંપનીના એન્જીનિયર દ્વારા EVMની ચકાસણી કરવામાં આવી હતી, ત્યારે તેમના દ્વારા આપવામાં આવેલ રીપોર્ટની વિગતે EVMમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું માલૂમ પડ્યું હતું. જેના કારણે બોરીયા-1 મતદાન મથકે ફરીથી મતદાન કરવામાં આવ્યું હતું. આંણદ જીલ્લા ચૂંટણી ઓબ્ઝર્વર વીણા પટેલે મતદાન મથકની મુલાકાત લીધી હતી. જોકે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યું હતું. જેની મતગણતરી આવતી કાલે તા. 5મી માર્ચના રોજ સવારે 9 વાગ્યાથી શરૂ કર્યા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

Tags:    

Similar News